૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ રાગરૂપી અંધકારને કેમ કરે? શું પ્રકાશ અંધકારને કરે? ન કરે. છતાં દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભભાવનો હું કર્તા છું એમ માને તે મિથ્યાશ્રદ્ધા વડે પોતાના જ્ઞાતાસ્વભાવને હણે છે. વાસ્તવમાં તે પોતાની અદયા કરે છે. હવે કહે છે-
‘માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.’
ભાઈ! જેમ આ છ દ્રવ્યમય લોક અનાદિઅનંત સ્વયંસિદ્ધ છે, તેનો કોઈ કર્તા નથી; તેમ રાગ થાય તેનો આત્મા કર્તા નથી. છતાં રાગ કરવો મારો સ્વભાવ છે એમ આત્માને રાગનો નિત્ય કર્તા માને તે નિરંતર રાગ કરવામાં રોકાયેલો રહેશે અને એના ફળમાં તે ચારગતિમાં રખડશે. અહા! પોતાને કર્તા માને તે લોકોત્તર પુરુષો-મુનિજનો પણ, લૌકિક જનોની માફક, મોક્ષને પ્રાપ્ત થતા નથી. જે કર્તા થઈ પરિણમે તે ચારગતિમાં પરિભ્રમણને જ પ્રાપ્ત થાય છે. આવી વાત છે.
‘જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તોપણ લૌકિક જન જેવા જ છે; કારણ કે, લોક ઈશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને કર્તા માન્યો-એમ બન્નેની માન્યતા સમાન થઈ, માટે જેમ લૌકિક જનોને મોક્ષ નથી, તેમ તે મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?’
જે રાગનો કર્તા થાય તેને તેનું ફળ સંસાર જ મળે છે, અને જે સંસારને ભોગવે તેને મોક્ષ કેવો? તેને તો ચતુર્ગતિપરિભ્રમણ જ રહે છે.
હવે, ‘પરદ્રવ્યને અને આત્માને કંઈ પણ સંબંધ નથી, માટે કર્તાકર્મસંબંધ પણ નથી’ -એમ શ્લોકમાં કહે છેઃ-
‘परद्रव्य–आत्मतत्त्वयोः सर्वः अपि सम्बन्धः नास्ति’ પરદ્રવ્યને અને આત્મતત્ત્વને સઘળોય (અર્થાત્ કાંઈપણ) સંબંધ નથી;
શું કીધું? આ લોકમાં અનંત આત્મા અને અનંતાનંત પરમાણુ છે; તેમને એકબીજાને કાંઈપણ સંબંધ નથી. પરસ્પર એક-બીજા વચ્ચે અભાવ છે ને? માટે એક બીજાને કાંઈ સંબંધ નથી.