૨૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ ભાવ જ છે, પર્યાય નહિ. તેથી એક શુદ્ધભાવને જ ઉપાદેય કહી સંવર-નિર્જરા આદિ પરિણામને હેય કહ્યા છે. ભાઈ! પર્યાયને જે ઉપાદેય (આશ્રય કરવાયોગ્ય) માને તે નિયમથી મિથ્યાદ્રષ્ટિ જ થાય છે. હવે કહે છે-
‘માટે તત્ત્વને જાણનારો પુરુષ “સઘળુંય પરદ્રવ્ય મારું નથી” એમ જાણીને, “ લોક અને શ્રમણ-બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે.” એમ સુનિશ્ચિતપણે જાણે છે.’
લોક એમ માને છે કે જગતના કર્તા ઈશ્વર છે. હવે શ્રમણ પણ જો એમ માને કે પરદ્રવ્યનો કર્તા હું છું તો એ રીતે પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય બન્નેને સમાન છે. તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે એમ તત્ત્વજ્ઞ પુરુષ નિશ્ચિતપણે જાણે છે. ભાઈ! ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે ‘પરદ્રવ્ય મારું છે, હું પરદ્રવ્યને કરું છું’ એમ જે કોઈ-લોક કે શ્રમણ-માને છે તે અવશ્ય મિથ્યાદ્રષ્ટિ છે. હું પરને લાભ-નુકશાન કરી શકું છું એવી માન્યતા જેની છે તે સમ્યગ્દર્શનથી રહિત મિથ્યાદ્રષ્ટિ જ છે.
ભાઈ! બહારના ચમત્કાર તો બધા બહાર રહ્યા; આ તો નિજ ચૈતન્યચમત્કાર પ્રભુ આત્મામાં જે એકાગ્ર થઈ સ્થિર થયો તે સમકિતી ધર્માત્મા છે. તે પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ કદીય માનતા નથી.
‘જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે-લૌકિક જન હો કે મુનિજન હો-મિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને “મારું” માને તો મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.’
જુઓ, સમયસાર ગાથા ૮ માં કહ્યું છે કે- પરમાર્થનો પ્રતિપાદક હોવાથી વ્યવહાર સ્થાપન કરવાયોગ્ય છે, પણ તે અનુસરવા યોગ્ય નથી. ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે’ એમ કહ્યું તે વ્યવહાર છે. ભેદ પાડીને કહ્યું ને? તેથી વ્યવહાર છે. પણ તે અભેદને સમજવા માટે છે, નહિ કે ભેદને અનુસરવા માટે. વ્યવહાર છે, તે જાણવાયોગ્ય છે, પણ અનુસરવા યોગ્ય નથી.
પરંતુ વસ્તુસ્વરૂપથી અજાણ એવો અજ્ઞાની જીવ વ્યવહારથી વિમોહિત હોય છે, વ્યવહારવિમૂઢ હોય છે. તે વ્યવહારના શબ્દોને પકડીને ‘આ પરદ્રવ્ય, શુભવિકલ્પને ભેદ મારાં છે’ એમ માને છે. પરદ્રવ્યને, પરભાવને હું કરું છું એમ તે માને છે. અહીં કહે છે- આવું માનનાર ચાહે લૌકિક જન હો કે મુનિજન હો, તે મિથ્યાદ્રષ્ટિ જ છે.