Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3224 of 4199

 

સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ ] [ ૨૦પ

ભગવાનની ભક્તિથી સંસારવેલનો નાશ થાય છે, જિનબિંબના દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે, જીવ પંગુ છે, કર્મ તેને ચાર ગતિમાં લઈ જાય છે- ઇત્યાદિ વચન શાસ્ત્રમાં આવે છે. આ વ્યવહારનાં વચન છે. અજ્ઞાની તેનો આશય સમજવા રોકાતો નથી અને શબ્દાર્થને પકડીને નિશ્ચયરૂપ એમ જ માનવા લાગે છે. અહીં કહે છે-આમ જે પરદ્રવ્યને અન્યદ્રવ્યનું કર્તાપણું માને છે તે મિથ્યાદ્રષ્ટિ જ છે.

સમકિતી ધર્મી પુરુષને અંતરમાં નિશ્ચયભક્તિ-આત્મઆરાધના પ્રગટ થઈ હોય છે અને તે સંસારના નાશનું કારણ છે. હવે તેને બહારમાં ભગવાન જિનેન્દ્રની ભક્તિનો રાગ પણ આવે છે તો એમાં નિશ્ચયભક્તિનો ઉપચાર કરીને કહ્યું કે ભગવાનની ભક્તિથી સંસારવેલનો નાશ થાય છે. હવે આ વ્યવહારના વચનને યથાર્થ સમજ્યા વિના કોઈ ભગવાનની ભક્તિના રાગમાં જ લીન થઈ રહે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે, તેનો સંસાર મટતો નથી. આમ એકાંતે ભગવાનની ભક્તિના રાગથી જ મુક્તિ થવાનું માને તે મિથ્યાદ્રષ્ટિ છે.

અહાહા...! પોતાનો સ્વભાવ તો જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે. હવે કોઈ જિનબિંબનું દર્શન કરતાં જિનસ્વરૂપ નિજ જ્ઞાયકસ્વભાવ પ્રતિ ઢળીને-ઝુકીને તેમાં જ એકાગ્ર થાય તો તેને નિજસ્વરૂપનું-જિનસ્વરૂપનું અંદર દર્શન-શ્રદ્ધાન પ્રગટ થાય છે અને ત્યારે તેને નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે, અકર્મરૂપ થઈ જાય છે. ત્યાં કર્મ તો કર્મના કારણે અકર્મપણે થઈ જાય છે, કાંઈ જિનબિંબ તેને અકર્મપણે કરી દે છે એમ નથી. પણ આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણી વ્યવહારથી કહ્યું કે જિનબિંબના દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે. પણ એને ઉપચારમાત્ર ન સમજતાં એમ જ કોઈ માને તો લાખ જિનબિંબનાં દર્શન કરે તોય કર્મ ટળે નહિ અને તે મિથ્યાદ્રષ્ટિ જ રહે.

ભગવાન આત્મા એક જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેમાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી. તેથી પર્યાયમાં જે વિકાર થાય છે તે જ્ઞાનનું-આત્માનું કાર્ય નથી. જે વિકાર થાય છે તે પ્રકૃતિના નિમિત્તે પ્રકૃતિને વશ થઈ પરિણમતાં થાય છે અને એનું ફળ ચારગતિરૂપ પરિભ્રમણ છે. તેથી નિમિત્તની મુખ્યતાથી કહ્યું કે-આત્મા પંગુ છે, કર્મ તેને ચારગતિમાં લઈ જાય છે. હવે ત્યાં કર્મને લઈને વિકાર થાય છે વા કર્મ વિકાર કરી દે છે, કરાવી દે છે એમ તો છે નહિ. તોપણ કોઈ એમ જ માને કે મને કર્મના કારણે વિકાર થાય છે અને કર્મના કારણે ચારગતિમાં રખડવું છે તો તે માન્યતા બરાબર નહિ હોવાથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે; કેમકે કર્મ તો પરદ્રવ્ય છે, તે એનું શું કરે?

આ પ્રમાણે વ્યવહારથી વિમોહિત જીવો વ્યવહારના વચનને પકડીને પરદ્રવ્યનું