સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ] [ ૨૧૯ છે એમ છે નહિ. જડ કર્મ કર્તા ને જીવને વિકાર થાય તે એનું કાર્ય એમ છે નહિ. તો નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે એમ યથાર્થ જાણવું.
ત્યારે કોઈ વળી કહે છે-નિમિત્ત-કર્મનો ઉદય-કાંઈ ન કરે તો જીવ ઠેઠ દસમે ગુણસ્થાને ચઢીને પછી હેઠે પડે છે તે કેમ પડે? એમ કે કર્મના ઉદયથી જીવ હેઠે પડી જાય છે.
અરે ભાઈ! દસમાં ગુણસ્થાનમાં જીવ ગયો છે તે પોતાના પુરુષાર્થથી ગયો છે, કાંઈ કર્મના (કર્મના અભાવના) કારણે ગયો છે એમ નથી; તથા ત્યાંથી નીચે પડે છે તે પણ પોતાના પુરુષાર્થની નબળાઈથી પડે છે, કર્મના ઉદયના કારણે નીચે પડે છે એમ નહિ, કેમકે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવોનું પરમાર્થે કર્તા છે જ નહિ. કર્મનો ઉદય નિમિત્ત હો ભલે, પણ અસ્થિરતારૂપ પરિણમન તો પોતાનું સ્વતંત્ર પોતાથી જ છે.
પ્રવચનસાર ગાથા ૧૬ માં આત્માને ‘સ્વયંભૂ’ કહ્યો છે. તેની વ્યાખ્યા કરતાં ત્યાં કહ્યું છે કે-“આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. અથવા, અનાદિકાળથી અતિ દ્રઢ બંધાયેલાં દ્રવ્ય તેમ જ ભાવ ઘાતિકર્મોને નષ્ટ કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો તેથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે.” દ્રવ્ય ઘાતિકર્મ છે તે જડ છે, અને પોતાની હીણી દશારૂપે જીવ પરિણમે તે ભાવઘાતિકર્મ છે. ભાવઘાતિકર્મનો કર્તા, અહીં કહે છે, જીવ જ છે. જડ ઘાતિકર્મને લઈને ભાવઘાતિકર્મ જીવમાં થયું છે એમ નથી.
તો કોઈ વળી કહે છે-કર્મ એક ચીજ છે, કર્મનો ઉદય પણ એક ચીજ છે; કર્મનો ઉદય આવે એટલે આને (-જીવને) વિકાર કરવો જ પડે.
લ્યો, હવે આવી ઊંધી માન્યતા! જૈનમાં (જૈનાભાસોમાં) વળી કર્મના લાકડાં ગરી ગયાં છે! કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો જ પડે એ તારી માન્યતા ભાઈ! યથાર્થ નથી, જો ને, અહીં શું કહે છે? કે પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ.
તેથી જે ચેતનના ભાવો છે તેનો કર્તા ચેતન જ હોય. અહીં મિથ્યાત્વ અને પુણ્ય- પાપ આદિ વિકારી ભાવોને ચેતનના ભાવો કહ્યા છે, અને તેના કર્તા ચેતન જ છે એમ કહે છે. અહા! વ્યાપક એવો આત્મા અજ્ઞાનપણે પ્રસરીને વિકારી પરિણામનો કર્તા થાય છે અને વિકારી પરિણામ એનું વ્યાપ્ય કર્મ છે.
એકકોર વિકારી ભાવોને અહીં ચેતનના ભાવો કહ્યા, ત્યારે બીજે ગાથા પ૦ થી પપ માં તે ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા છે; તો આ કેવી રીતે છે?
જુઓ, જે આ વિકારી ભાવો છે તે ચેતનની પર્યાયના અસ્તિત્વમાં થાય છે