૨૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ તેથી તેઓ ચેતનના ભાવો છે એમ અહીં કહ્યું. પરંતુ તેઓ ચૈતન્યના સ્વભાવભાવ નથી પણ વિભાવો છે અને પુદ્ગલના-કર્મના ઉદયના સંગમાં થાય છે અને સ્વભાવની દ્રષ્ટિ થતાં નાશ પામી જાય છે તેથી તેઓ જીવના નથી પણ પુદ્ગલના છે એમ બીજે (ગાથા પ૦ થી પપમાં) કહ્યું છે; સ્વભાવની દ્રષ્ટિ થતાં વિકારના ભાવ પોતાની સ્વાનુભૂતિથી ભિન્ન જ રહી જાય છે. આવી વાત છે. સમજાણું કાંઈ....?
આ પ્રમાણે પોતાને ભૂલીને અજ્ઞાનવશ જે મિથ્યાત્વાદિભાવરૂપ પરિણામો થાય છે તે ચેતનના ભાવ છે અને તેનો કર્તા ચેતન જ હોય, અન્ય પુદ્ગલદ્રવ્ય નહિ. એ જ કહે છે-
‘આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે એ રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય -એ પરમાર્થ છે.’
જુઓ, જીવનો જ્ઞાન-દર્શનનો જે ઉપયોગ છે તેને ચેતન કહે છે; જ્ઞાન-દર્શન સિવાય એના બીજા જે અનંતગુણ છે તેને અચેતન કહેલ છે કેમકે તે (-બીજા ગુણો) પોતાને જાણતા નથી, બીજાને પણ જાણતા નથી. આમ ભિન્ન ભિન્ન અપેક્ષાએ શાસ્ત્રમાં કથન આવે છે તેને યથાર્થ સમજવું જોઈએ. અચેતનના જુદા જુદા પ્રકાર છેઃ-
-શરીર, મન, વાણી ઇત્યાદિ અચેતન છે; -પુણ્ય-પાપ અને મિથ્યાત્વના જે ભાવ જીવને થાય તેને પણ (શુદ્ધ ચૈતન્યની) અપેક્ષાથી અચેતન કહેલ છે.
-જીવના જ્ઞાન-દર્શનના ઉપયોગની અપેક્ષા બીજા ગુણોને અચેતન કહીએ કારણ કે બીજા ગુણોમાં જાણવા-દેખવાના ઉપયોગની શક્તિ નથી.
પરંતુ અહીં બીજી વાત છે. અહીં તો મિથ્યાત્વ અને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવો જીવની પર્યાયના અસ્તિત્વમાં થાય છે તેથી તેમને ચેતન કહ્યા છે; અને તેઓ ચેતન હોવાથી તેમનો કર્તા ચેતન જ છે એમ સિદ્ધ કર્યું છે. કહ્યું ને કે-ચેતન કર્મનો કર્તા ચેતન જ હોય-એ પુરુષાર્થ છે, સત્યાર્થ છે. પોતાના શુદ્ધ ચૈતન્યને ભૂલીને જીવ પોતે જ વિકારના ભાવોનો કર્તા થાય છે એ સત્યાર્થ છે, યથાર્થ છે. હવે કહે છે-
‘અભેદદ્રષ્ટિમાં તો જીવ શુદ્ધચેતના માત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે.’