Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3242 of 4199

 

સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ] [ ૨૨૩ કર્મથી થાય એમ માન્યું છે ને? તેથી આવી વાત બહુ આકરી પડે છે, પણ અહીં તો આ ચોકખી વાત છે કે તે (-ભાવકર્મ) એક પ્રકૃતિનું કાર્ય પણ નથી કારણ કે પ્રકૃતિ અચેતન છે, અને ભાવકર્મ ચેતન છે. અચેતન ચેતનને કેમ કરે? ન કરે.

‘ततः’ માટે ‘अस्य कर्ता जीवः’ તે ભાવકર્મનો કર્તા જીવ જ છે ‘च’ અને

‘चिद्–अनुगं’ ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અન્વયરૂપ (-ચેતનાના પરિણામ રૂપ-) એવું ‘तत्’ તે ભાવકર્મ ‘जीवस्य एव कर्म’ જીવનું જ કર્મ છે ‘यत्’ કારણ કે ‘पुद्गलः ज्ञाता न’ પુદ્ગલ તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્ગલનું કર્મ હોઈ શકે નહિ.)

જુઓ, આ નિષ્કર્ષ કાઢયો કે પુણ્ય-પાપ આદિ જે વિકારી ભાવ થાય તેનો કર્તા જીવ જ છે. એટલે કે અજ્ઞાની જીવ તેનો કર્તા છે. અહીં આ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવની વાત છે. બાકી સ્વભાવના અવલંબને જેને અંતરમાં જૈનપણું પ્રગટયું છે અને મિથ્યાત્વ દૂર થયું છે એવો જ્ઞાની પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનો કર્તા નથી. અહીં આ સિદ્ધ કર્યું કે ભાવકર્મ જીવનું જ કાર્ય છે, પુદ્ગલકર્મનું તે કાર્ય નથી કેમકે પુદ્ગલકર્મ અચેતન છે, જડ છે, જ્યારે ભાવકર્મ છે તે ચેતનને અનુસરનારું ચેતન છે.

અહાહા...! કહે છે - ‘पुद्गलः ज्ञाता न’ પુદ્ગલ જ્ઞાતા નથી. શું કહેવું છે આમાં? કે જાણનાર-જ્ઞાતા (જીવ) હોય તે ભૂલે, જેમાં જાણવું નથી તેને ભૂલવું શું? જડ પુદ્ગલકર્મને ભૂલવું શું? અહા! રાગ છે તે મારું કાર્ય છે એમ અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલીને માને છે; તેથી અજ્ઞાની પોતાના અજ્ઞાનને લીધે ભાવકર્મનો- રાગાદિનો કર્તા થાય છે. બાકી પુદ્ગલકર્મ તો જડ માટી-ધૂળ અચેતન છે, તે ચેતન એવાં ભાવકર્મને કેમ કરે? ન કરે. માટે ભાવકર્મ જીવનું જ કાર્ય છે, પુદ્ગલકર્મનું નહિ-

અહાહા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ હું એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં ભાન થયું છે એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ રાગનો કર્તા નથી, રાગ થાય તેનો એ જ્ઞાતા જ છે. આવી વાત! પણ અહીં રાગનો પરમાર્થે કર્તા કોણ છે એ સિદ્ધ કરવું છે. તો કહે છે- પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાનું જેને ભાન નથી એવો અજ્ઞાની જીવ, રાગનો હું કર્તા ને રાગ મારું કર્મ એમ અજ્ઞાનપણે માનતો હોવાથી, રાગાદિનો કર્તા થાય છે. એ તો ઉપર આવી ગયું કે-

અભેદદ્રષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવ વસ્તુ છે; પરંતુ પરિણામ -પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે; જડકર્મ કર્તા નથી.