૨૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ કર્મ- એ બન્નેનું કાર્ય પણ નથી. કેટલાક કહે છે ને? કે નિમિત્ત અને ઉપાદાનને સરખા માનો; પણ અહીં એની ના પાડે છે. અહા! જીવને જે શુભાશુભ ભાવ થાય છે તે કાર્ય છે અને એનો કોઈ કર્તા ન હોય એમ ન હોય. વળી તે જીવ અને કર્મપ્રકૃતિ બન્ને મળીને કરે છે એમ નથી, કારણ કે જો બંને મળીને કરે તો જડ પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે, પણ એમ છે નહિ, પ્રકૃતિને કાંઈ (કાર્યનું ફળ) ભોગવવું છે એમ છે નહિ.
ત્યારે એ કહે છે-શું કુંભાર વિના ઘડો થાય છે ખરો? હા, ભાઈ! સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આ આવ્યું છે કે-કુંભાર વિના ઘડો થાય છે; ઘડાનો કર્તા કુંભાર નથી. સમયસાર ગાથા ૩૭૨માં આચાર્ય ભગવાન કહે છે કે-“ માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે.” નિમિત્તાધીન દ્રષ્ટિ હોવાથી નિમિત્ત હોય તો કાર્ય થાય એમ અજ્ઞાની માને છે; પરંતુ દિગંબર સંતો-ભગવાન કેવળીના કેડાયતીઓ તો આ કહે છે કે-કુંભાર ઘડો કરે છે એમ અમે દેખતા નથી. માટી જ ઘડાનો કર્તા છે ને ઘડો માટીનું જ કાર્ય છે એ પરમાર્થ છે. કુંભાર કર્તા અને ઘડો એનું કાર્ય એમ છે જ નહિ. અરે! જીવ અને અજીવ બન્ને ભિન્ન ભિન્ન ચીજ છે એની લોકોને ખબર નથી.
અહીં કહે છે-જીવમાં પુણ્ય-પાપ આદિ જે ભાવકર્મ પ્રગટ થાય છે તે કાર્ય છે અને તે જીવ અને પ્રકૃતિ બન્નેનું કાર્ય છે એમ નથી, કારણ કે જો એમ હોય તો જડ પ્રકૃતિને પણ એનું ફળ ભોગવવું પડે, પણ જડ પ્રકૃતિ તો કાંઈ ભોગવતી નથી. માટે ભાવકર્મ, જીવ અને પ્રકૃતિ બન્નેનું કાર્ય નથી.
વળી ‘एकस्य प्रकृतेः न’ તે (ભાવકર્મ) એક પ્રકૃતિની કૃતિ (- એકલી પ્રકૃતિનું કાર્ય-) પણ નથી, ‘अचित्त्वलसनात्’ કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે.
ભાવકર્મ એકલી પ્રકૃતિનું કાર્ય પણ નથી. એકલા કર્મના કારણે વિકાર થાય છે એમ પણ નથી. જીવ અને પ્રકૃતિ બનેનું કાર્ય છે એમેય નહિ અને એકલી પ્રકૃતિનું તે કાર્ય છે એમેય નહિ. અહો! વીતરાગ જૈન પરમેશ્વરની શી આજ્ઞા છે એની લોકોને ખબર નથી. આખો દિ’ ખાવું-પીવું, રળવું-કમાવું ઇત્યાદિ પાપ-પ્રવૃત્તિમાં રોકાઈને જન્મારો વીતાવી દે. કદાચિત્ સાંભળવા જાય તો સમજ્યા વિના જ્યાં ત્યાં ‘જય નારાયણ’ કરી દે; પણ ભાઈ! વીતરાગનો મારગ જગતથી તદ્ન જુદી જાતનો છે બાપુ!
બીજે તો આ વાત છે નહિ પરંતુ વાડાવાળાઓને પણ આ કઠણ પડે છે.