સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ] [ ૨૨પ
હવેની ગાથાઓમાં જેઓ ભાવકર્મનો કર્તા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિ કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-
‘कैश्चित् हतकैः’ કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ) ‘कर्म एव कर्तृ प्रवितर्क्य’ કર્મને જ કર્તા વિચારીને ‘आत्मनः कर्तृत्वं क्षिप्त्वा’ આત્માના કર્તાપણાને ઉડાડીને ‘एषः आत्मा कथञ्चित् कर्ता’ આ આત્મા કથંચિત્ કર્તા છે ‘इति अचलिता श्रुतिः कोपिता’ એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે (-નિર્બાધ જિનવાણીની વિરાધના કરે છે);.......
શું કહે છે? કે કોઈ આત્માના ઘાતક એવા સર્વથા એકાંતવાદીઓ જીવને વિકારનો કર્તા જડકર્મ જ છે એમ વિચારીને આત્માના કર્તાપણાને ઉડાડી દે છે, પણ તેઓ ખોટા છે. વળી કોઈ જીવ અને કર્મ બન્ને ભેગા મળીને વિકાર કરે છે એમ કહે છે, પણ એમ કહેનારાય ખોટા છે કેમકે બે કદી એક થતા જ નથી.
જીવના દ્રવ્ય-ગુણમાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી; પર્યાયમાં વિકાર થાય છે; પર્યાયમાં વિકાર થવાની શક્તિ-યોગ્યતા છે તો થાય છે. હવે એને પર્યાય શું? - એનીય ખબર ન મળે, દ્રવ્ય નામ ત્રિકાળી શક્તિઓનો પિંડ, ગુણ નામ ત્રિકાળી શક્તિ અને પર્યાય એટલે વર્તમાન ક્ષણિક અવસ્થા. અહીં અવસ્થા ઉપર જેની દ્રષ્ટિ છે એવા મૂઢ પર્યાયદ્રષ્ટિ જીવ વિકારનો-ભાવકર્મનો કર્તા છે તોપણ એકાંતવાદીઓ જડકર્મને જ કર્તા માને છે તે અજ્ઞાન છે. ભાઈ! કર્મ વિકાર કરે છે એમેય નહિ અને જીવ અને કર્મ બન્ને થઈને વિકાર કરે છે એમેય નહિ. વિકાર થવાના કાર્યકાળે વિકાર જીવ પોતે જ કરે છે.
ત્યારે તે કહે છે-એક કાર્ય થવામાં બે કારણ છે.
હા, શાસ્ત્રમાં બે કારણની વાત આવે છે. પણ એ બેમાં એક તો યથાર્થ-વાસ્તવિક કારણ છે ને બીજું ઉપચરિત કારણ છે. જે સત્યાર્થ કારણ તો નથી પણ ઉપચાર કરીને કારણ કહેવું તે ઉપચરિત છે. (એને યથાર્થ કારણ માનવું તે મિથ્યાત્વ છે).
અહીં કહે છે-કેટલાક આત્મઘાતી એકાંતવાદીઓ જડકર્મને જ વિકારનો કર્તા વિચારીને આત્માના કર્તાપણાને ઉડાડી દે છે અને એ રીતે આત્મા વિકારી ભાવનો કથંચિત્ કર્તા છે એમ કહેનારી જિનવાણીની વિરાધના કરે છે. કથંચિત્ કર્તા છે એટલે શું? કે જ્યાંસુધી અજ્ઞાન છે ત્યાંસુધી પુણ્ય-પાપ આદિ વિકારી ભાવનો જીવ કર્તા છે; સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે આત્મજ્ઞાન થતાં તે રાગનો અકર્તા છે; આ સ્યાદ્વાદ છે.