૨૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પરંતુ આ (-જૈનાભાસી) માને છે કે વિકાર કર્મને લઈને થાય છે, આત્મા એનો કર્તા નથી. તેની આ માન્યતા જૂઠી છે કેમકે પરદ્રવ્યને અને આત્મદ્રવ્યને કાંઈપણ (-કર્તાકર્મ આદિ) સંબંધ નથી. (જુઓ કળશ ૨૦૦)
જગતની રચના ઈશ્વરે કરી છે એ જેમ જૂઠી વાત છે તેમ અજ્ઞાનીની બધી જૂઠી કલ્પનાઓ છે. ચૌદ બ્રહ્માંડ તે અણકરાયેલી-અકૃત્રિમ ચીજ છે; અનાદિ વસ્તુસ્થિતિ છે. તેમ એને જે વિકાર થાય છે તે એની જન્મક્ષણ છે. અલબત વિકાર નિમિત્તાધીન થવાથી ઉત્પન્ન થાય છે, તોપણ નિમિત્ત વિકાર કરી-કરાવી દે છે એમ નથી. પોતે કર્મને વશ થઈને વિકાર કરે છે, પણ કર્મ એને વિકાર કરાવે છે એમ નથી.
પ્રવચનસારમાં ૪૭ નયમાં એક ઈશ્વરનય કહેલ છે. આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે; એટલે કે આત્મા નિમિત્તને આધીન થઈને પોતે પરતંત્ર થાય છે, કર્મ એને પરતંત્ર કરે છે એમ નહિ. ચંદ્રપ્રભુ ભગવાનની જયમાલામાં પણ આવે છે ને કે-
એકલી અગ્નિ પર ઘણના ઘા પડતા નથી, પણ લોઢાની તે સંગતિ કરે તો માથે ઘણના ઘા પડે છે. તેમ એકલા આત્માને વિકાર નથી, નિર્વિકાર છે. પણ સ્વભાવને છોડી નિમિત્તના-કર્મના સંગે પરિણમે તો વિકાર થાય છે. એમાં કર્મનો તો કાંઈ વાંક નથી, પોતે એના સંગમાં જાય એ પોતાનો જ અપરાધ છે.
એક મોટા પંડિત અહીં આવેલા તે કહેતા -મહારાજ! આ તમે કહો છો એવી તો અમારી પઢાઈ (-ભણતર) નથી; અમારા પંડિતો ને ત્યાગીઓની તો આવી પઢાઈ છે કે-નિમિત્તથી વિકાર થાય, નિમિત્તથી કાર્ય થાય આદિ.
પણ ભાઈ! જો તો ખરો, અહીં આ શું કહે છે? કે જડકર્મથી જ વિકાર થાય છે અને આત્મા એનો સર્વથા કર્તા નથી એમ માનનારા આત્મઘાતી મિથ્યાદ્રષ્ટિ છે. વાસ્તવમાં ભાઈ! પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને ભૂલીને અજ્ઞાની જીવ સ્વતંત્ર રાગનો કર્તા છે, તેને કર્મ રાગ કરાવે છે એ વાત ત્રણકાળમાં સત્યાર્થ નથી. સો એ સો ટકા વિકાર થાય છે તે જીવને પોતાથી થાય છે, તેમાં કર્મનું એક દોકડો પણ કર્તાપણું નથી. અત્યારે તો બધે મોટી ગડબડ ઊભી થઈ છે; મૂળમાં જ મોટો ફેર છે. પણ બાપુ! યથાર્થ નિર્ણય નહિ કરે તો તને મોટું નુકશાન છે. જો, આ શું કહે છે? -