સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ] [ ૨૨૯ છે. તે આ કે-પોતાના સ્વભાવના ભાન વિના અનાદિ અજ્ઞાનવશ જીવ રાગનો કર્તા છે અને જ્યારે તે સ્વભાવનું ભાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય છે ત્યારે તે અકર્તા છે, રાગનો માત્ર જ્ઞાતા જ છે. આ સ્યાદ્વાદ છે.
ભાઈ! આ ક્ષણિક દેહનો ભરોસો નથી. રાત્રે સૂતો છે તે સવારે ઉઠશે કે નહિ એની કોને ખબર છે? ક્યારે આયુ પૂરું થઈ જશે એ કોણ જાણે છે? માટે હમણાં જ તત્ત્વનિર્ણય કરી લે; વીજળીના ઝબકારે મોતી પરોવી લે તો પરોવી લે બાપા! (એમ કે આ મનુષ્યભવ વીજળીના ઝબકારા જેવો ક્ષણિક છે, તેમાં તત્ત્વ નિર્ણય કર્યો તો કર્યો, નહિ તો ભવસમુદ્રમાં ક્યાંય ખોવાઈ જઈશ).
જડ શરીરની, વાણીની ઇત્યાદિ જડની ક્રિયાઓનો તો અજ્ઞાની પણ કર્તા નથી. શું કીધું? આ પૂજા વખતે હાથ પ્રસારીને ફૂલ ચઢાવે ને સ્વાહા બોલે એ બધી જડની ક્રિયાઓ છે અને તેનો અજ્ઞાનભાવે પણ જીવ કર્તા નથી. ફક્ત પર તરફ લક્ષ જતાં જે રાગ થાય છે તે રાગ ઉપર જેની દ્રષ્ટિ છે એવો અજ્ઞાની જીવ તે રાગનો કર્તા છે, અને જેની દ્રષ્ટિ રાગથી ખસીને અંદર ચિત્સ્વભાવ ઉપર ગયેલી છે તે જ્ઞાની જીવ રાગનો કર્તા નથી, અકર્તા છે, જ્ઞાતા છે. આવી વાત છે.
‘કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્ કર્તા કહે છે.’
જુઓ, અન્યમતવાળા જગત-કર્તા ઈશ્વરને માને છે, જ્યારે કોઈ જૈનમતવાળા (- જૈનાભાસીઓ) રાગનો કર્તા જડકર્મ છે એમ માને છે. તેઓ બન્ને એક જાતની માન્યતાવાળા મિથ્યાદ્રષ્ટિ છે; તેઓ આત્માના ઘાતક છે. એટલે શું? કે વિપરીત માન્યતા વડે તેઓ નિરંતર નિજ આત્મદ્રવ્યની હિંસા જ કરે છે તેથી આત્મઘાતી છે. તેમના પર જિનવાણીનો કોપ છે. જિનવાણી આત્માને કથંચિત્ કર્તા કહે છે, અને આ આત્માને સર્વથા અકર્તા જ માને છે. આ પ્રમાણે તેમના પર જિનવાણીનો કોપ છે, અર્થાત્ તેઓ જિનવાણીના વિરાધક છે.
અજ્ઞાની જીવ પોતાના જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને જાણતો નથી. તેની દ્રષ્ટિ રાગ અને પર્યાય ઉપર પડી છે, તેથી તે રાગનો કર્તા થાય છે. આમ અનાદિથી આત્મા પોતાના વિકારી ભાવોનો, પરની અપેક્ષા વિના, સ્વતંત્ર કર્તા છે; એવો એનો પર્યાયધર્મ છે.