૨૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ અસંયમી, વિકારી કરે છે. અરે ભાઈ! કર્મ તો જડ છે, એને લઈને જીવને વિકાર કેમ થાય? કર્મ નિમિત્ત હો, પણ જીવને વિકાર થાય છે એ તો પોતાને પોતાથી જ થાય છે. જીવને વિકાર થાય એ પર્યાયગત પોતાનો જ અપરાધ છે, કર્મનું એમાં કાંઈ કાર્ય નથી.
વાસુદેવના અવસાન થતાં બળદેવ એના શબને છ માસ સુધી ખભે ફેરવે છે તે કર્મના-ચારિત્રમોહના ઉદયને લઈને જ છે ને?
ના, એમ નથી. ચારિત્રમોહનો તે કાળે ઉદય હો ભલે, પણ બળદેવને જે અસંયમનો ભાવ આવે છે તે એની પુરુષાર્થની નબળાઈ છે અને તે તેનો પોતાનો જ અપરાધ છે; પોતાના અપરાધના કારણે જ તેને એવો અસંયમનો ભાવ આવે છે. અહા! સમ્યગ્દર્શન તો પછીની વાત, પહેલાં સાચો નિર્ણય તો કર બાપુ! પર્યાયમાં રાગાદિ થાય તે પોતાનો દોષ છે, કર્મનો નહિ-એવો સાચો નિર્ણય કર્યા વિના રાગ મટાડી સમકિત કરવાનો ઉદ્યમ કેમ થશે? અહો! આચાર્ય ભગવાને કરુણાનો ધોધ વહેવડાવ્યો છે; ભગવાનના આડતિયા થઈને માર્ગને જાહેર કર્યો છે. સમકિતીને અસંયમનો ભાવ છે તે તેની પોતાની કમજોરી છે; ત્યાં ચારિત્રમોહના ઉદયનું જોર છે એમ કહેવું એ તો નિમિત્તથી કથન છે અને તે પોતાની કમજોરીનું જ્ઞાન કરવા માટે છે. બાકી કર્મના ઉદયને લઈને જીવને અસંયમ છે એમ માને એ તો અજ્ઞાનભાવ છે, મિથ્યાત્વભાવ છે. હવે કહે છે-
‘કર્મ જ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યગ્લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે;...’
આનુપૂર્વી નામનું એક કર્મ છે. બળદને નાકમાં નાથ નાખે છે ને? નાથ, નાથ. એ ખેંચીને જેમ બળદને લઈ જાય છે તેમ આનુપૂર્વી નામની પ્રકૃતિ આને નરકાદિમાં લઈ જાય છે એમ અજ્ઞાનીની દલીલ છે. જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા, તીર્થંકરગોત્ર બાંધ્યું છે. પણ નરકગતિ-નામકર્મ બાંધ્યું હતું તો આનુપૂર્વી કર્મ તેમને નરકમાં લઈ ગયું. જુઓ! આ અજ્ઞાનીની માન્યતા! ભાઈ! શ્રેણીક રાજા પ્રથમ નરકક્ષેત્રમાં ગયા છે એ એવી જ પોતાની પર્યાયની યોગ્યતાથી ગયા છે. પોતાના ઊંધા પુરુષાર્થથી નરકગતિનું આયુ બંધાયેલું. તેના ઉદયકાળે તેમની પર્યાયની એવી જ યોગ્યતા હતી જે વડે તેઓ નરકમાં ગયા છે; કર્મને લઈને તેઓ નરકમાં ગયા છે અથવા કર્મ એમને નરકમાં ખેંચીને લઈ ગયું છે એમ છે જ નહિ. ભાઈ! કર્મ તો જડ છે, એ તારી ચીજમાં છે જ નહિ પછી એ તને શું કરે? કાંઈ ન કરે. બધું કર્મ કરે, કર્મ કરે એમ બધું કર્મથી થવાનું તેં માન્યું છે પણ ભાઈ! જેનો તારી ચીજમાં અભાવ છે એ કર્મ તને શું નુકશાન કરે?