Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3270 of 4199

 

સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨પ૧ બધુંય કર્મ સ્વતંત્ર કરે છે એમ લીધું. આ સ્ત્રી, કુંટુંબ-પરિવાર, ધન-ધાન્ય, બાગ-બંગલા ઇત્યાદિ અનેક સામગ્રી કર્મ જ આપે છે એમ અજ્ઞાનીનું માનવું છે. પણ અરે ભાઈ! સંયોગમાં જે આ સામગ્રી આવે છે એ તો પોતાના કારણે પોતાથી-પોતાના ઉપાદાનથી આવે છે. સાતાવેદનીય આદિ કર્મનો ઉદય તો ત્યાં નિમિત્તમાત્ર છે. નિમિત્ત કાંઈ સામગ્રી બલાત્ ખેંચી લાવે છે એમ તો નથી, એ સામગ્રી તો પોતાના કાળમાં પોતાથી આવે છે ને પોતાથી જાય છે. છે તો આમ; પણ અજ્ઞાની કહે છે-કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે.

એમ કે કર્મનો (અસાતાનો) ઉદય આવે તો આદમી એકદમ રાંક-ગરીબ થઈ જાય. જયપુરમાં એકવાર એક ૮૦ વરસનો વૃદ્ધ પુરુષ ભીખ માગતાં જોયેલો. જોયો ત્યારે એમ લાગેલું કે આ કોઈ અસલ ભિખારી નથી. પછી પૂછયું કે આ કોણ છે? તો ખબર પડી કે એ તો એક મોટા ઝવેરીનો પુત્ર છે. બધું ખલાસ થઈ ગયું એટલે ભીખ માગે છે. હવે એ ભિખારી થઈ ગયો એ કર્મને લઈને થયો છે એમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં તો જે સ્થિતિ થઈ છે તે એની પોતાની યોગ્યતાથી થઈ છે, કર્મથી થઈ છે એમ નથી; કર્મ તો નિમિત્તમાત્ર છે.

તો એમ આવે છે ને કે-

કર્મે રાજા, કર્મે રંક, કર્મે વાળ્‌યો આડો અંક.

ભાઈ! એ તો બધાં નિમિત્તનાં કથન બાપુ! તે તે સ્થિતિના કાળે કર્મનો ઉદય નિમિત્ત છે તો નિમિત્તની મુખ્યતાથી કહેવાય કે ‘કર્મે રાજા, કર્મે રંક;’ બાકી કર્મ કાંઈ આપે છે કે હરી લે છે એમ વાસ્તવિક સ્વરૂપ નથી.

તોપણ અજ્ઞાની એમ જ કહે છે કે-કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે નિશ્ચય કરીએ છીએ કે-સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે. જીવ રાગનો કર્તા છે જ નહિ, રાગનો કર્તા કર્મ જ છે. નિગોદથી માંડીને સર્વ જીવો સદા એકાંતે અકર્તા જ છે, કર્મ જ કર્તા છે. વળી તે આ માન્યતાને આ પ્રમાણે દ્રઢ કરે છે કે-

‘વળી શ્રુતિ (ભગવાનની વાણી, શાસ્ત્ર) પણ એ જ અર્થને કહે છે; કારણ કે, (તે શ્રુતિ) “પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે.” એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ કરે છે, તથા “જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે”- એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે, અને એ રીતે (અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાના નિષેધ દ્વારા) જીવનું સર્વથા જ અકર્તાપણું જણાવે છે.’