સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૬૯
અહાહા...! આત્મા જ્ઞાનધામ-વિજ્ઞાનઘનમંદિર પ્રભુ અંદર નિત્ય વિરાજી રહ્યો છે. અહાહા...! અનાદિ અનંત ધ્રુવ નિત્યાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ અંદર શાશ્વત વિરાજી રહ્યો છે. જ્યાં પર્યાયમાં થતા વિભાવનું લક્ષ છોડી અંદર ધ્રુવધામ નિજ ચૈતન્યધામમાં દ્રષ્ટિ જોડી દે કે તત્કાલ તે કર્તાપણાથી રહિત થઈ જ્ઞાતાપણે પ્રગટ થાય છે. ઝીણી વાત છે પ્રભુ!
આ દરિયામાં વહાણ ચાલે છે ને? તે ધ્રુવ તારાનું લક્ષ રાખીને રાત્રે ચાલે છે. તેમ અહીં પરમાત્મા કહે છે-ચૈતન્યધાતુને ધરનાર ધ્રુવ ધ્યેયરૂપ ધ્રુવધામ અંદર નિત્ય બિરાજે છે તેના ધ્યાનની ધૂણી ધગશથી ધખાવ, જેથી સમ્યગ્દર્શન આદિ ધર્મ તને પ્રગટ થશે. એક સમયની પર્યાય છે તેમાં દ્રષ્ટિ ન જોડ, પણ ધ્રુવ ધ્યેયની ધૂન લગાવી તેનું ધ્યાન કર. આ ધર્મ પામવાની રીત છે.
કોઈને થાય કે વ્રત, તપ, ભક્તિ, દયા, દાન ઇત્યાદિ તો તમે કરવાનું કહેતા જ નથી!
અરે ભાઈ! વ્રત, તપ, ભક્તિ, દયા, દાન ઇત્યાદિ કરવાનો જ્યાંસુધી અભિપ્રાય છે ત્યાંસુધી ભેદજ્ઞાન થતું નથી અને તેથી અજ્ઞાનપણે તે રાગનો કર્તા જ થાય છે. વિના ભેદજ્ઞાન એ વ્રત અને તપને ભગવાને બાળવ્રત ને બાળતપ કહ્યાં છે. પરંતુ ત્યાંથી (કરવાના અભિપ્રાયથી) ખસીને દ્રષ્ટિ જ્યાં ઉદ્ધત જ્ઞાનધામમાં જઈ ચોંટે છે ત્યાં વસ્તુ- આત્મા-પ્રત્યક્ષ થતાં તે સાક્ષાત્ અકર્તા નામ જ્ઞાતા જ થાય છે. અહો! ધ્રુવધામમાં ધ્યેયની ધખતી ધૂણી ધખાવી ધીરજથી ધ્યાનરૂપ ધર્મનો ધારક ધર્મી જીવ ધન્ય છે.
અરે પ્રભુ! તારા સ્વભાવમાં અંદર પૂરણ પ્રભુતા ભરેલી છે. લ્યો, હવે સરખી બીડી પીવા ન મળે તો ટાંટિયા (પગ) ઘસે એને આ બેસે કેમ? બેસે કે ન બેેસે, આ સત્યાર્થ છે. જેમ દરિયો જળથી ભરેલો છે તેમ ભગવાન આત્મા પ્રભુતાના સ્વભાવનો પૂરણ દરિયો છે. અંદર પ્રભુતા ન હોય તો આવે ક્યાંથી? આ લીંડીપીપર હોય છે ને! પીપર-પીપર; તે કદમાં નાની, રંગે કાળી ને શક્તિપણે ૬૪ પહોરી તીખાશના રસથી ભરેલી હોય છે. તેને ઘૂંટવાથી તે પ્રગટ થાય છે. માંહી છે તે પ્રગટ થાય છે હોં, એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. કોલસાને ઘૂંટે તો પ્રગટ ન થાય. તેમ તેમ ભગવાન આત્મા પૂરણ જ્ઞાન ને આનંદની પ્રભુતાથી ભરેલો છે, તેમાં એકાગ્રતાને ઘૂંટવાથી (એકાગ્રતારૂપ ધ્યાનનો મહાવરો કરવાથી) કેવળજ્ઞાન ને પૂરણ આનંદ પર્યાયમાં પ્રગટ થાય છે. આવો મારગ છે.
આત્મા જ્ઞાનમાં સ્વયં પ્રત્યક્ષ થાય એવો એનો સ્વભાવ છે. શું કીધું? જ્ઞાનની દશામાં, સ્વયં એટલે નિમિત્તની કે રાગની અપેક્ષા વિના, સીધો આત્મા જણાય એવો