૨૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ એનો સ્વભાવ છે. સ્વયં પ્રકાશમાન વિશદ (-સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી એવી પ્રકાશ નામની શક્તિ આત્મામાં છે જેથી સ્વસંવેદનમાં આત્મા જણાવાયોગ્ય છે. અહીં કહે છે- પ્રભુ! તું મોટા મહેલ ને મંદિર જોવા જાય છે તો એકવાર પરમ આશ્ચર્યકારી નિધાન એવા તારા જ્ઞાનધામને જોવા અંદર દ્રષ્ટિ તો કર. અહાહા...! એ પરમ જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો ભંડાર છે. એને દ્રષ્ટિમાં લેતાં તને પરમ આનંદ પ્રગટ થશે અને કર્તાપણું મટી જશે. ભાઈ! રાગથી ભિન્ન પડીને ચૈતન્ય-ધ્રુવધામની દ્રષ્ટિ કરવી- બસ આ એક જ કરવાયોગ્ય કર્તવ્ય છે; બાકી તો બધું ધૂળધાણી છે.
આત્મા ઉદ્ધત બોધધામ છે. એટલે શું? આ ચૈતન્યવસ્તુ એવી ઉદ્ધત છે કે કોઈને ગણે નહિ-નિમિત્તને ગણે નહિ, રાગનેય ગણે નહિ ને પર્યાયનેય ગણે નહિ-બધાને ગૌણ કરી દે. અહા! આવો ઉદ્ધત બોધધામ પ્રભુ આત્મા છે. તેને વર્તમાન જ્ઞાનની પર્યાય અંતર્મુખ કરી પ્રત્યક્ષ જાણી લેવો એ કરવાયોગ્ય કામ છે.
જુઓ, એક દરબારનાં રાણી સાહેબા બહુ રૂપાળાં ને ઓઝલમાં રહેતાં. એક વાર રાણી સાહેબા ઓઝલમાંથી બહાર નીકળ્યાં. તો તેમને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયાં. એમ અહીં કહે છે-આ ભગવાન આત્મા-ઉદ્ધત બોધધામ સુંદર આનંદરૂપ પ્રભુ- રાગની એકતાના ઓઝલમાં પડયો છે. અહા! તે ઓઝલને દૂર કરી તારી દ્રષ્ટિને અંદર ધ્રુવધામમાં લઈ જા પ્રભુ! તારી જ્ઞાનની દશાને વાળીને અંતર્મુખ કર; તને જ્ઞાન ને આનંદનો અનુપમ સ્વાદ આવશે. અહા! સ્વસંવેદનજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થતાં એની જે નિર્મળ પ્રતીતિ થાય એનું નામ સમ્યગ્દર્શન છે. હજુ આ ધર્મનું પહેલું પગથિયું હોં, શ્રાવકદશાની તો તે પછીની વાત છે.
ભાઈ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. સમ્યગ્દર્શન થયા પછી શ્રાવકધર્મ પ્રગટે ને મુનિધર્મ પ્રગટે એ તો મહા અલૌકિક વસ્તુ છે. પણ લોકોએ એને ક્રિયાકાંડમાં કેદ કર્યો છે. જેમ કરીઆતાની કોથળી પર સાકરનું નામ કોઈ લખે તેમ સામાયિક ને પોસા ને વ્રત આદિ રાગની ક્રિયામાં લોકો ધર્મ માનવા લાગ્યા છે, ને પોતાને જૈન શ્રાવક ને જૈન સાધુ માને છે. પણ બાપુ! જ્યાં રાગનું કરવાપણું ઊભું છે. ત્યાં શ્રાવકધર્મ ને મુનિધર્મ તો શું, સમકિત હોવું પણ સંભવિત નથી. રાગ મારું કર્તવ્ય છે એમ જેણે માન્યું છે તે તો અજ્ઞાની કર્તા થયો છે, એ ક્યાં જૈન થયો છે? કર્તાપણું મટયા વિના જૈનપણું પ્રગટતું જ નથી. આવી વાતુ છે.
ભાઈ! તેં અનંતકાળમાં પર-નિમિત્તને ને રાગને જ મોટપ આપી છે. અંદર મહાન મહિમાવંત પ્રભુતાનો સ્વામી એવો તું છો એને તેં કદીય મોટપ આપી નથી. ભગવાન! તું એકવાર અંદર જો, ને જ્ઞાનાનંદની લક્ષ્મીનો ભંડાર તું છો તે