સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૭૧ તને અનુભવાશે; ને ત્યારે કર્તાપણું તત્કાલ નાશ પામી જશે; કેમકે કર્તાપણું ભગવાન આત્માનો સ્વભાવ નથી.
તેનો તે પોતાના જ્ઞાનમાં રહીને જાણનાર જ રહે છે. સમ્યગ્દર્શન થયા પછી ઉદ્ધત જ્ઞાનધામ પ્રભુ આત્મા કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ છે. અહા! જગતના કોઈ પદાર્થની અવસ્થાની વ્યવસ્થાનો કર્તા આત્મા નથી- એ તો છે, પણ નિજ જ્ઞાતાદ્રષ્ટા સ્વરૂપની અંર્તદ્રષ્ટિ થયા પછી તેને પર્યાયમાં કિંચિત્ રાગ થાય તેનોય એ કર્તા નથી, કેવળ જ્ઞાતા જ છે. અહા! આમ રાગથી ખસવું ને ચિદાનંદ સ્વરૂપમાં વસવું એનું નામ સંવર ને એનું નામ નિર્જરા છે, તપ પણ એ જ છે ને ઉપવાસ પણ એ જ છે.
આ લોકો હઠ કરીને ઉપવાસ કરે છે તે ઉપવાસ નહિ. એ તો અપવાસ નામ માઠો વાસ છે. આ તો ‘ઉપવસતિ ઈતિ ઉપવાસ;’ આત્માની-ચિદાનંદસ્વરૂપ ભગવાનની સમીપ વસવું તે ઉપવાસ છે અને તે તપ ને નિર્જરા છે. આવી વાતુ! અજ્ઞાનીની આમ વાતે વાતે ફેર છે. આવે છે ને કે-
એક લાખે તો ના મળે, એક તાંબિયાના તેર.
બહુ ફેર બાપા! સંતો કહે છે-તારે ને મારે શ્રદ્ધામાં બહુ ફેર છે.
હે ભાઈ! ભેદજ્ઞાન થયા પહેલાં આત્માને અજ્ઞાનપણે રાગનો કર્તા દેખો, પરંતુ ભેદજ્ઞાન થયા પછી ઉદ્ધત જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ દેખો. લ્યો, આવો સ્યાદ્ધાદ સંતોએ પ્રસિદ્ધ કર્યો છે.
‘સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ ઉદાસીન ચૈતન્યમાત્ર માને છે. આવું માનવાથી પુરુષને સંસારના અભાવનો પ્રસંગ આવે છે; અને જો પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે, તેને સુખદુઃખ આદિનું સંવેદન નથી, તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે.