૨૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
ચૈતન્યચમત્કાર જ પોતે ‘नित्य–अमृत–ओधैः’ નિત્યતારૂપ અમૃતના ઓઘ (-સમૂહો) વડે ‘अभिषिन्चन्’ અભિસિંચન કરતો થકો, ‘अपहरति’ દૂર કરે છે.
અહાહા...! કહે છે-ચૈતન્યપ્રકાશના નૂરનું પુર ચૈતન્યચમત્કાર પ્રભુ આત્મા તેના મોહને-અજ્ઞાનને દૂર કરે છે. કેવી રીતે? તો કહે છે- નિત્યતારૂપ અમૃતના ઓઘ વડે અભિસિંચન કરીને. એટલે શું? ક્ષણિક પર્યાયથી હઠી અંદર આનંદકંદ નિત્યાનંદ પ્રભુ આત્મા બિરાજે છે તેની દ્રષ્ટિ કરતાં તે નિત્યતાના અમૃતનો સાગર પ્રભુ ઉછળીને પર્યાયમાં પ્રગટ થાય છે, અને ત્યારે આત્મા ક્ષણિક છે એવા અજ્ઞાનનો નાશ થાય છે. આવી વાત!
અહાહા...! અંદર અનાદિ-અનંત નિત્યાનંદસ્વરૂપ છો ને પ્રભુ! અનંત ગુણનો પિંડ નિત્ય જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છો ને! ભાઈ! જેટલા પરમાત્મા થયા તે બધા અંદર શક્તિ હતી તે પ્રગટ કરીને થયા છે. તું પણ શક્તિએ નિત્ય જિનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. અહાહા...! તારા સ્વરૂપમાં ત્રિકાળ અતીન્દ્રિય ચૈતન્યમય અમૃત ભર્યું છે. હવે આવી વાત એને કેમ બેસે? એનાં માપ બધાં ટૂંકાં (-પર્યાયરૂપ) અને વસ્તુ અંદર મોટી-મહાન (નિત્ય દ્રવ્યરૂપ). તે ટૂંકાં માપે તે કેમ મપાય? બાપુ! ક્ષણિકની દ્રષ્ટિ છોડી દે અને અંદર અમૃતનો નાથ ચિત્ચમત્કાર પ્રભુ નિત્ય બિરાજે છે તેની દ્રષ્ટિ કર; તેને આનંદનો- અમૃતનો સ્વાદ આવશે, ને ક્ષણિક છું એવી ભ્રાન્તિ મટી જશે. અહાહા...! પુણ્ય-પાપના ક્ષણિક ભાવોથી ભિન્ન અંદર નિત્ય આનંદકંદ પ્રભુ આત્મા બિરાજે છે તેનો જ્ઞાનજળ વડે અભિષેક કર જેથી અમૃતની ધારા ઉછળશે. લ્યો, આનું નામ ધર્મ.
અંદર વસ્તુ-પોતે ચૈતન્યચમત્કારસ્વરૂપ નિત્ય અમૃતના ઓઘથી ભરેલી છે. તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કરી સત્કાર કરતાં અંદર અતીન્દ્રિય આનંદની ધારા ઉલસે તે ધર્મ છે.
‘ક્ષણિકવાદી કર્તા-ભોક્તામાં ભેદ માને છે, અર્થાત્ પહેલી ક્ષણે જે આત્મા હતો તે બીજી ક્ષણે નથી-એમ માને છે. આચાર્યદેવ કહે છે કે-અમે તેને શું સમજાવીએ? આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે-કે જે (ચૈતન્ય) અનુભવગોચર નિત્ય છે.’
જુઓ, અજ્ઞાનીને પોતાના ત્રિકાળી સ્વરૂપની ખબર નથી. તેથી તે વર્તમાન પર્યાયને જ આત્મા માને છે. ક્ષણેક્ષણે જે પર્યાય બદલાય છે તેને જ તે આત્મા માને છે. વર્તમાન જે આત્મા છે તે બીજે સમયે નથી, બીજે સમયે બીજો ને ત્રીજે સમયે ત્રીજો આત્મા-એમ ક્ષણિકવાદી બૌદ્ધમતી કર્તા-ભોક્તાનો ભેદ માને છે.