સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૭પ
‘इदम् आत्मतत्त्वम् क्षणिकम् कल्पयित्वा’ આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને ‘निज मनसि’ પોતાના મનમાં ‘कर्तृ–भोक्त्रोः विभेदं विधत्ते’ કર્તા અને ભોક્તાનો ભેદ કરે છે (-અન્ય કર્તા અને અન્ય ભોક્તા છે એવું માને છે);......
અહાહા....! આ લોકમાં કોઈ ક્ષણિકવાદી બૌદ્ધમતી તો આત્માને ક્ષણિક માને છે. આત્મા વસ્તુએ તો નિત્ય છે, ક્ષણે ક્ષણે તેની અવસ્થા બદલે છે. અહા! ક્ષણેક્ષણે તે બદલતી અવસ્થાનું છળ પામીને ક્ષણિકવાદી આત્માને ક્ષણિક કહે છે.
જુઓ આ માન્યતા! કોઈને અસાધ્ય કેન્સર થયું હોય તો કહે છે ને! કે હવે હું નહિ રહું, હવે હું જરૂર મરી જઈશ. અરે ભાઈ! તું નહિ રહે તો ક્યાં નહિ રહે? શરીરમાં કે તારા આત્મામાં? હવે નહિ રહે એવો તું કોણ છો? કાંઈ ભાન ન મળે. બાપુ! એ તો શરીર નહિ રહે; તું તો ત્રિકાળ ઊભો છે ને પ્રભુ! આ પહેરણ-અંગરખું, અંગરખુ બદલાય એટલે શું અંદર વસ્તુ (શરીરાદિ) બદલાઈ જાય છે? પહેરણ જીર્ણ થાય તો શું શરીર જીર્ણ થઈ જાય છે? (ના); આ તો સમજવા દાખલો કીધો. તેમ શરીર બદલતાં વસ્તુ-આત્મા ક્યાં બદલાય છે? શરીર નાશ પામતાં આત્મા ક્યાં નાશ પામે છે? એ તો શાશ્વત ઊભો છે ને પ્રભુ! ભાઈ! હવે હું નહિ રહું એ તારી માન્યતા જૂઠી છે. તેમ કોઈ ક્ષણિકવાદીઓ આત્માને ક્ષણિક માને છે તે જૂઠા છે. સમજાય છે કાંઈ....?
તેઓ (-ક્ષણિકવાદીઓ) બદલતી અવસ્થાને દેખી આત્મતત્ત્વને સર્વથા ક્ષણિક કલ્પીને પોતાના મનમાં કર્તા-ભોક્તાનો ભેદ કરે છે. એટલે શું? કે વર્તમાનમાં કાર્ય કોઈએ કર્યું ને તેનું ફળ બીજો આત્મા ભોગવશે એમ તેઓ માને છે. જેણે વર્તમાનમાં પાપના ભાવ કર્યા તે આત્માનો નાશ થઈ જશે, અને ભવિષ્યમાં બીજો આત્મા થશે જે એનું ફળ ભોગવશે; અન્ય કર્તા છે ને અન્ય ભોક્તા છે એમ તેઓ માને છે. અર્થાત્ વ્યય પામતી પર્યાય સાથે આત્મા વ્યય પામી ગયો, ને ઉત્પાદ થતી પર્યાયમાં બીજો નવો આત્મા ઉત્પન્ન થયો-એમ તેઓ માને છે. લ્યો, આવી માન્યતા! ક્ષણે ક્ષણે આત્મા બીજો ને બીજો ઉત્પન્ન થતો જાય છે-એમ આત્મા ક્ષણિક હોવાનું તેઓ માને છે.
પણ ભાઈ! તારી માન્યતા મિથ્યા છે, કેમકે વસ્તુ નામ આત્માનું એવું એકાંત ક્ષણિક સ્વરૂપ નથી. વાસ્તવમાં પર્યાયસ્વરૂપથી પલટવા છતાં આત્મા દ્રવ્યસ્વરૂપથી શાશ્વત નિત્ય છે. એ જ કહે છે-