Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3293 of 4199

 

૨૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

જુઓ, હરણિયાની નાભિમાં કસ્તૂરી છે. પણ એને ખબર નથી. આ સુગંધ ક્યાંથી આવે છે એનું એને ભાન નહિ હોવાથી તે બહારમાં દોડાદોડ કરી મૂકે છે. તેમ મૂઢ જીવોને સુખ પોતાના સ્વભાવમાં ભર્યું છે એનું ભાન નથી. તેથી સુખપ્રાપ્તિ માટે બહારમાં ઝાવાં નાખે છે, અનેક વિકલ્પોની ધમાધમ કરી મૂકે છે. અહીં કહે છે-તે હરણિયા જેવા મૂઢ અજ્ઞાની જીવો તે વિકલ્પોના કર્તા છે, બહારના પદાર્થ-કર્મ આદિ તેના કર્તા નથી. સમજાય છે કાંઈ...?

ક્યાં સુધી આત્મા કર્તા છે? સ્વપરનું ભેદવિજ્ઞાન ન થાય ત્યાં સુધી. અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. જુઓ, ભગવાનના શ્રીમુખેથી નીકળેલી આ વાણી છે. વિકારથી ભિન્ન સ્વસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માનું ભાન થતાં તે રાગનો અકર્તા છે, જ્ઞાતા જ છે- એમ કહે છે. જુઓ આ સ્વભાવની રુચિનું જોર! સમ્યગ્દ્રષ્ટિને કિંચિત્ અસ્થિરતાનો રાગ થતો હોય છે, પણ તેનું તેને સ્વામિત્વ નહિ હોવાથી, તેનો એ કર્તા નથી, જ્ઞાતા જ છે. આવો ભગવાનનો માર્ગ ભાઈ! ન્યાયથી કસોટી કરીને સમજવો જોઈએ.

‘આમ એક જ આત્માનું કર્તાપણું તથા અકર્તાપણું-એ બન્ને ભાવો વિવક્ષાવશ સિદ્ધ થાય છે. અજ્ઞાનપણે વિકારનો કર્તા અને ભેદવિજ્ઞાન થતાં અકર્તા સિદ્ધ થાય છે.

‘આવો સ્યાદ્વાદમત જૈનોનો છે; અને વસ્તુસ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી.’ જુઓ, આ કલ્પનાની વાત નથી, પણ જેવો વસ્તુસ્વભાવ છે એવો જૈન પરમેશ્વરની વાણીમાં સ્યાદ્વાદયુક્ત શૈલીથી કહેવામાં આવ્યો છે.

‘આવું (સ્યાદ્વાદ અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; એકાંત માનવાથી સર્વ નિશ્ચય-વ્યવહારનો લોપ થાય છે.’

અજ્ઞાનભાવે વિકારનો કર્તા માનતાં એને સંસાર સિદ્ધ થાય છે, ને જ્ઞાનભાવ પ્રગટતાં અકર્તા થવાથી કેવળ જ્ઞાતાપણું અને મોક્ષદશા સિદ્ધ થાય છે. અજ્ઞાનપણે પણ જો અકર્તા માને, કર્મને જ કર્તા માને તો સંસાર-મોક્ષ કાંઈપણ સિદ્ધ ન થાય, ને નિશ્ચય- વ્યવહાર પણ સિદ્ધ ન થાય, આવી વાત!

*

હવેની ગાથાઓમાં, “કર્તા અન્ય છે અને ભોક્તા અન્ય છે” એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે અને સ્યાદ્વાદ અનુસાર જે રીતે વસ્તુસ્વરૂપ અર્થાત્ કર્તા-ભોક્તાપણું છે તે રીતે કહેશે. તે ગાથાઓની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છેઃ-