સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૭૩ ગયો ધર્મ. પણ ધૂ્રળમાંય ધર્મ થતો નથી સાંભળને. એ તો બધો રાગ છે ને તેનો તું કર્તા થાય તે મિથ્યાત્વ છે, મૂઢપણું છે. બાપુ! તને ખબર નથી પણ આવા મિથ્યાત્વના સેવનના ફળમાં તો તું ક્યાંય કાગડા, કૂતરા, કંથવાના ને નરકાદિના ભવ કરી કરીને રઝળી મર્યો છો.
ભાઈ! આત્મા શરીર, મન, વાણીની ક્રિયાને કે બૈરાં-છોકરાં સાચવવાની ક્રિયાને કે દેશનું ભલું કરવું, સમાજનું ભલું કરવું ઇત્યાદિ અનેક પરદ્રવ્યની ક્રિયાને કરે એ સંભવિત નથી, કેમકે એ પરદ્રવ્યો ક્યાં એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે કે એને કરે? પરનું કરું એમ માને એ તો મૂઢપણું છે. એ તો છે; પણ અહીં કહે છે-એ મૂઢપણાના ને વિકારના શુભાશુભભાવ આને જે થાય તે પર-કર્મ કરે છે એમ માને એ ભલે જૈન હો તોપણ, મિથ્યાદ્રષ્ટિ જ છે. અરે! જૈનમાં હોવા છતાં વીતરાગ જૈન પરમેશ્વર શું કહે છે એની એને ખબર નથી. અરે! લોકોએ મારગ વીંખી નાખ્યો છે.
‘તેથી આચાર્યદેવ ઉપદેશ કરે છે કે- સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ન માનો; જ્યાંસુધી સ્વ-પરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાંસુધી તો તેને રાગાદિકનો-પોતાનાં ચેતનરૂપ ભાવકર્મોનો-કર્તા માનો, અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો.’
અહાહા......! આચાર્ય કહે છે-આત્મા સર્વથા અકર્તા છે ને રાગાદિવિભાવનો કર્તા કર્મ-પ્રકૃતિ છે એમ, સાંખ્યોની જેમ, જૈનો ન માનો. તો કેવી રીતે છે? તો કહે છે- ‘જ્યાં સુધી સ્વપરનું ભેદવિજ્ઞાન ન હોય...’ , એટલે શું? કે જડ માટી-ધૂળ એવું આ શરીર અને આત્માની અવસ્થામાં થતા પુણ્ય-પાપરૂપ આસ્રવ-બંધના પરિણામ-એ સમસ્ત પરથી પોતાનું સ્વ-ચૈતન્યબિંબ એવું જ્ઞાયકતત્ત્વ ભિન્ન છે એવું અંતર-અવલંબને ભાવભાસન ન થાય ત્યાંસુધી તેને (આત્માને) રાગાદિનો એટલે કે પોતાના ચેતનરૂપ ભાવકર્મોનો કર્તા માનો.
આ ભગવાનની સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે છે ને? ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં-એમ ભગવાનનું નામસ્મરણ કરે છે ને? એ બધો રાગ છે, શુભ રાગ છે. એ રાગ છે તે પર છે અને પોતે શુદ્ધ ચૈતન્યજ્યોતિસ્વરૂપ -અહાહા...! એકલા ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ આત્મા તે સ્વ છે. આ સ્વ અને પરનું ભિન્નપણું જ્યાંસુધી અંતરમાં ભાસ્યું નથી ત્યાંસુધી તે અજ્ઞાની છે; અને અજ્ઞાની હોતો થકો તે પુણ્ય-પાપ આદિ ભાવોનો કર્તા છે. અહા! જેને સ્વરૂપની રુચિ નથી પણ રાગની ને પરની રુચિ છે તે રાગાદિ વિકાર થાય તેનો કર્તા છે. કોઈ બીજું-કર્મ કર્તા છે એમ છે જ નહિ.