સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૭૯
પ્રવચનસારની ગાથા ૧૭૨ ની ટીકામાં ૨૦ મો બોલ છે; તેમાં કહ્યું છે કે- “લિંગ એટલે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધસામાન્ય તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.”
પર્યાયમાત્ર વસ્તુ આત્મા-એમ વાત નથી અહીં. બહુ ઝીણી વાત પ્રભુ! આત્મા ત્રિકાળી ધ્રુવ નિત્ય દ્રવ્ય છે. એક સમયની શુદ્ધ પર્યાય (સમ્યગ્દર્શન) તેની દ્રષ્ટિ કરે છે છતાં તે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી અને જે દ્રવ્ય છે તે પર્યાયને સ્પર્શતું નથી. મતલબ કે દ્રવ્યપર્યાય આખી વસ્તુ છે તેમાં ત્રિકાળી નિત્યદ્રવ્ય ને વર્તમાન પર્યાય પરસ્પર ભળીને એક થઈ જતાં નથી. આવી સૂક્ષ્મ વાત ભાઈ! આ તો પર્યાયદ્રષ્ટિ મટાડવાની વાત છે ભાઈ! આ શરીરાદિ તો દ્રવ્યને સ્પર્શે નહિ, કેમકે એ તો જડ માટી-ધૂળ છે, ને વિકાર- શુભાશુભભાવ પણ દ્રવ્યને સ્પર્શે નહિ કેમકે એય જડ છે, તથા એક સમયની નિર્મળ પર્યાય પણ નિત્ય એવા દ્રવ્યને સ્પર્શતી નથી. અહા! આવો નિત્ય-અનિત્યનો વિભાગ છે તે યથાર્થ જાણી દ્રવ્યદ્રષ્ટિ કરવી જોઈએ. સમજાય છે કાંઈ....?
‘માટે એમ સમજવું કે-આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બન્ને ભ્રમ છે, વસ્તુસ્વરૂપ નથી; અમે (જૈનો) કથંચિત્ નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપ કહીએ છીએ તે જ સત્યાર્થ છે.’
આત્મા એકાંતે નિત્ય જ છે, અને પર્યાય છે જ નહિ એમ માનવું એ મિથ્યા ભ્રમ છે; અને એક સમયની પર્યાય છે અને ત્રિકાળી નિત્ય દ્રવ્ય નથી એમ માને એય મિથ્યા ભ્રમ છે.
અહા! પોતે ત્રિકાળી ધ્રુવ ચિત્ચમત્કારસ્વરૂપ નિત્ય દ્રવ્ય છે અને એની પલટતી અવસ્થા અનિત્ય પર્યાય છે. હવે એ અવસ્થામાં જે નિત્ય, ધ્રુવ એવા દ્રવ્યને દ્રષ્ટિમાં લેતો નથી તે મૂઢ અજ્ઞાની છે. તે બહારની ચીજ-શરીરાદિ જે અનિત્ય નાશવંત છે તેને ટકાવી રાખવા માગે છે પણ એ વૃથા છે; તેથી માત્ર ખેદ જ થાય છે. માટે દ્રવ્યસ્વરૂપથી નિત્ય અને પર્યાયસ્વરૂપથી અનિત્ય-એમ કથંચિત્ નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપને જાણી નિત્યમાં દ્રષ્ટિ કરી સમકિતવંત થવું. આ ન્યાય છે.
સાંખ્યમતવાળા વસ્તુને ત્રિકાળી નિત્ય માને છે, પલટતી પર્યાયને માનતા નથી; જ્યારે બૌદ્ધમતવાળા પલટતી પર્યાયને માને છે, ત્રિકાળી નિત્યને માનતા નથી. બન્ને વસ્તુને એકાંતસ્વરૂપ માનતા હોવાથી મિથ્યાદ્રષ્ટિ છે. આચાર્યદેવ કહે છે- અમે જૈનો તો વસ્તુ જેમ છે તેમ દ્રવ્યસ્વરૂપથી નિત્ય અને પર્યાયરૂપથી પલટતી અનિત્ય માનીએ છીએ અને તે જ સત્યાર્થ છે. આવી વાતુ!