Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3299 of 4199

 

૨૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯

હવે, ફરી ક્ષણિકવાદને યુક્તિ વડે નિષેધતું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૦૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘वृत्ति–अंश–भेदतः’ વૃત્ત્યંશોના અર્થાત્ પર્યાયોના ભેદને લીધે ‘अत्यंन्तं वृत्तिमत्–नाश–कल्पनात्’ વૃત્તિમાન અર્થાત્ દ્રવ્ય અત્યંત (સર્વથા) નાશ પામે છે-એવી કલ્પના દ્વારા ‘अन्य करोति’ અન્ય કરે છે અને ‘अन्य भुंक्ते’ અન્ય ભોગવે છે ‘इति एकान्तः मा चकास्तु’ એવો એકાન્ત ન પ્રકાશો.

વૃત્તિ-અંશો એટલે પર્યાયના ભેદો; વૃત્તિ એટલે પર્યાય-અવસ્થા. આ સોનું-સુવર્ણ હોય છે ને! તેમાં સોનું છે તો સોનાપણે નિત્ય-કાયમ છે, તેના પીળાશ, ચીકાશ, વજન ઇત્યાદિ ગુણ છે તે નિત્ય-કાયમ છે, અને તેની કડા, કુંડળ, સાંકળી ઇત્યાદિ પલટતી અવસ્થાઓ છે તે પર્યાય છે. તેમ ભગવાન આત્મા ચૈતન્યચમત્કાર પ્રભુ અંદર છે તે ધ્રુવ ત્રિકાળી નિત્ય દ્રવ્ય છે, તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ છે તેય નિત્ય છે, અને તેની પલટતી અવસ્થા (ગતિ આદિ) છે તે પર્યાય છે. હવે આમાં બૌદ્ધમતી છે તે એકાંતે પર્યાયને જ આત્મા કહે છે. અજ્ઞાનીની પણ અનાદિથી પર્યાય ઉપર જ દ્રષ્ટિ છે, તેથી બૌદ્ધમતીની જેમ તે પણ મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે.

પણ આમાં ધર્મ શું આવ્યો? અરે ભાઈ! તું કોણ છો ને કેવડો છો તથા આ તારી અવસ્થાઓ કેવી રીતે છે તેને યથાર્થ જાણી નિત્યાનંદ-ચિદાનંદ સ્વરૂપનો પર્યાયમાં સ્વીકાર કરવો એનું નામ ધર્મ છે. ધર્મ બીજી શું ચીજ છે. આ વ્રત, તપ ને ભક્તિ આદિ તું કરે છે એ કાંઈ ધર્મ નથી; એ તો બધો રાગ છે, આસ્રવ છે અને એને ધર્મ માને એ તો મિથ્યાત્વ છે, મહાપાપ છે. સમજાણું કાંઈ....?

આચાર્યદેવ અહીં કહે છે-પર્યાયોના ભેદને લીધે વૃત્તિમાન દ્રવ્ય અત્યંત નાશ પામે છે એવી કલ્પના દ્વારા “અન્ય કરે છે અને અન્ય ભોગવે છે”-એવો એકાંત ન પ્રકાશો એટલે શું? કે અંદર વસ્તુ-ભગવાન આત્મા પોતે સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ નિત્ય છે; પણ પલટતી પર્યાયોના ભેદ-ભિન્નતાને લીધે અજ્ઞાની-બૌદ્ધમતી, વૃત્તિમાન દ્રવ્ય નાશ પામે છે. અને ક્ષણેક્ષણે અન્ય-અન્ય આત્મા ઉપજે છે એમ કલ્પના કરે છે. વર્તમાન વિકારી પરિણામ અનેરો-અન્ય આત્મા કરે છે અને પછીનો અનેરો-અન્ય આત્મા તેનું ફળ ભોગવે છે-એમ અજ્ઞાની માને છે. તેને અહીં કહે છે-અન્ય કરે છે ને અન્ય ભોગવે છે- એવું એકાંત ન પ્રકાશો; અર્થાત્ એવું એકાંત વસ્તુ-સ્વરૂપ નથી.