તો હું આવો છું. અહો! પ્રત્યેક ગાથા અને કળશદીઠ જ્ઞાનની પૂર્ણતાને વર્ણવી છે. ‘ચિન્માત્ર મૂર્તિ છું.’ પોતાને અને જગતના અન્ય દ્રવ્યો, તેમના ગુણ-પર્યાયોને જાણનાર માત્ર દ્રવ્ય છું. શક્તિઓના વર્ણનમાં જીવત્વ શક્તિ, ચિતિ શક્તિ, જ્ઞાન શક્તિ, સર્વજ્ઞ શક્તિ વગેરે દરેકમાં જ્ઞાન આવે છે. જ્ઞાન વિના બીજી ચીજને અને પોતાના અનંતગુણોને જાણે કોણ? બીજા ગુણો કાંઈ જાણતા નથી, જાણનાર તો જ્ઞાન છે. આવા જ્ઞાનમાત્ર દ્રવ્યસ્વભાવનું જ ટીકાના કાળમાં ઘોલન છે, એવો અર્થ છે.
હવે ‘અનુભૂતિની પરમ વિશુદ્ધિ થાઓ’ એમ કહે છે. કળશટીકાકારે (રાજમલ્લજીએ) ‘અનુભૂતિ’ નો અર્થ હું ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ છું એમ દ્રવ્યદ્રષ્ટિનો- સમ્યક્દર્શનનો જે વિષય છે તે અર્થમાં લીધો છે. ‘ચિન્માત્ર મૂર્તિ’ કહેતાં જેમ શુદ્ધ શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ લીધો તેમ. અહાહા...!! ‘અનુભૂતિ’ કહેતાં અનંત અનંત અતીન્દ્રિય સહજ સુખસ્વરૂપ જ હું છું એમ લીધું છે. સમયસારની ૭૩ મી ગાથામાં આવે છે ને કે- જે પર્યાયમાં ષટ્કારકોના સમૂહરૂપ પરિણમન-ભલે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયરૂપ હો-તેથી પાર-ભિન્ન અનુભૂતિમાત્ર શુદ્ધ- એવો અહીં દ્રવ્યદ્રષ્ટિના વિષયરૂપ ‘અનુભૂતિ’ નો અર્થ લીધો છે. આવી જ વાત પ્રવચનસાર-ચરણાનુયોગ ચૂલિકા (ગાથા ૨૦૨, ટીકા) માં લીધી છે. ત્યાં સમ્યક્દ્રષ્ટિ પુરુષ જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે તે મુનિપણું- અંતરસ્થિરતા કરવા માગે છે. તે સ્ત્રી પાસે રજા માગે છે. કહે છે-આ શરીરને રમાડનારી હે સ્ત્રી! તું મને છોડ, કેમકે હું મારી અનુભૂતિ (રમણી) જે અનાદિની છે એની પાસે જવા માગું છું- અહીં ‘અનુભૂતિ’ એ પર્યાય નહીં, પણ વસ્તુ-મારો નાથ જે ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જ છે તે-એની પાસે જવા માગું છું. કળશટીકાકારે પણ ‘અનુભૂતિ’ એટલે ત્રિકાળ અનંત સહજ-સુખસ્વરૂપઆત્મા એમ લીધું છે. મુનિને આવા ચિન્માત્ર, અનુભૂતિસ્વરૂપ શુદ્ધાત્માનું જ ટીકાના કાળમાં ઘોલન છે તેથી જ વિશેષ વિશેષ નિર્મળતા થશે એમ ભાવના છે.
મારી પર્યાયમાં અનુભૂતિ-સ્વભાવને અનુસરીને નિર્મળ પરિણતિ છે એમ સિદ્ધ કરી તે અનુભૂતિની-પરિણતિની પરમ વિશુદ્ધિ કહેતાં સમસ્ત રાગાદિ વિભાવ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા થાઓ એમ ભાવે છે. ભલે ટીકાના કાળમાં નિર્મળતા પૂર્ણ થઈ નથી, પરંતુ ટીકાના કાળમાં મારું ધ્યેય તો ધ્રુવધામ સર્વજ્ઞશક્તિ-સ્વભાવ જ છે. એટલે ધ્યેયને કારણે મારી શુદ્ધિ વધતી જાય છે, કેમકે ધ્યેયમાંથી મારી દ્રષ્ટિ ખસતી નથી. ટીકા કરતાં મારી પરમ વિશુદ્ધિ થાઓ એનો અર્થ એ કે ટીકાના કાળમાં મારી પરમ વિશુદ્ધિ થાઓ. ત્યાં મારું ધ્યેય તો દ્રવ્યસ્વભાવ છે, પણ આ શાસ્ત્રના ભાવો વિશેષ સ્પષ્ટ થાય એવો વિકલ્પ આવ્યા કરે છે. છતાં ટીકા લખતી વેળા પણ મારું જોર તો અંદરમાં શુદ્ધ દ્રવ્ય ઉપર વર્તે છે, તેથી મારી પરમ વિશુદ્ધિ થશે એમ નિશ્ચય છે. મને વિશુદ્ધિ નથી એમ નથી, પણ પરમ વિશુદ્ધિ