થાઓ એમ કહે છે. એટલે ટીકાના કાળમાં મારો સાધક સ્વભાવ વધશે-નિશ્ચયથી વધશે. ભગવાનને પૂછયું નથી કે ટીકા કરતી વખતે મને પરમ વિશુદ્ધિ થશે કે નહીં? પણ હું ‘શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું’ ને? અહાહા...!! આચાર્યદેવ કહે છે-આત્માનો જે ‘જ્ઞ’ સ્વભાવ-તેની મને દ્રષ્ટિ અને આશ્રય છે તેથી પર્યાયમાં જે વિશુદ્ધિ -નિર્મળતા છે તે વધીને પરમ વિશુદ્ધ થશે એમ નિશ્ચય થયો છે. અહાહા...! શું અપ્રતિહત દ્રષ્ટિ! શું ચૈતન્યના અનુભવની બલિહારી!! અને શું ચૈતન્યના પૂર્ણસ્વભાવના સામર્થ્યની ચમત્કારી રમત!!!
પ્રભુ! તું સાંભળ. તું સર્વજ્ઞસ્વરૂપી છો કે નહીં? નાથ! તું કોણ છો અને કેવડો છો? તું જેવો છો તેવો જો ખ્યાલમાં આવી જાય તો ક્રમબદ્ધ, અકર્તાપણું અને જ્ઞાતાપણું સિદ્ધ થઈ જાય. આમાં નિયતવાદ છે પણ પાંચેય સમવાય એકીસાથે છે. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ, કર્મના ઉપશમાદિ -બધા એકસાથે છે.
મારી શુદ્ધિ થઈ છે અને વિશેષ આશ્રય થતાં શુદ્ધિ વધશે, એ બધી મને ખબર છે. હું આ ભાવે જ -સમ્યક્દર્શન અને સમ્યક્જ્ઞાનના ભાવે જ પૂર્ણ કેવલજ્ઞાન લેવાનો છું. વિશુદ્ધિ થાઓ એમ કહ્યું એમાં જ એ આવ્યું કે પ્રગટ વિશુદ્ધિ સાથે અશુદ્ધિ પણ છે; નહીં તો પરમ વિશુદ્ધિ થાઓ એ કેવી રીતે કહેત? અશુદ્ધતાનો અંશ અનાદિનો છે. મારી પર્યાયમાં જે અશુદ્ધતાનો અંશ છે, એ પરિણતિનો હેતુ મોહ નામનું કર્મ છે. પરિણતિ વિકારી છે માટે પર પરિણતિ કહી, કેમકે આ પરિણતિ સ્વભાવભૂત નથી. નિયમસારના કળશમાં (કળશ ૨પ૩) આવે છે કે -મુનિની દશા અને કેવળજ્ઞાનીની દશામાં ફેર માને તે જડ છે. અહીં મુનિ એમ કહે છે કે મારી દશામાં જરા રાગ છે. નિયમસારમાં, આ જે જરી રાગાંશ છે તેને ગૌણ કરી નાખ્યો છે, કેમકે એ નીકળી જવાનો છે. તેથી એમ કહ્યું કે મુનિમાં અને કેવળીમાં ફેર નથી; ફેર માને તે જડ છે. પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથાઓ -પંચરત્ન-એમાં એમ કહ્યું છે કે -જેણે મોક્ષમાર્ગ સાધ્યો છે તેને અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. પરંતુ અહીં જરા અશુદ્ધિ છે એમ ખ્યાલમાં લીધું છે.
આ અશુદ્ધ પરિણતિનો હેતુ મોહ નામનું કર્મ છે. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેના ઉદયના વિપાકને લીધે વિકાર છે એમ નથી. પણ મારું વિપાકમાં જોડાણ થયું એને લીધે છે. મારી પરિણતિ નબળી-કમજોર છે એટલે જોડાઈ જાય છે. ત્યાં નિમિત્ત કાંઈ કરતું નથી. એક બાજુ એમ કહે કે ‘સમકિતીને આસ્રવ અને બંધ હોય નહિં’ એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ છે. એક બાજુ એક કહે કે ‘જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે,’ એ દ્રષ્ટિના જોરની અપેક્ષાએ વાત કરી છે. અહીં મુનિ કહે છે કે મારે અશુદ્ધતાનો પણ અંશ છે, તેમાં નિમિત્ત મોહકર્મ છે.