૨૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
પણ અરે! એને ક્યાં નવરાશ છે? પણ બાપુ! તત્ત્વનો નિર્ણય કર્યા વિના ચોરાસીના અવતારમાં ક્યાંય ઢોરમાં ને નરક-નિગોદમાં અવતાર કરી કરીને મરી ગયો તું. કદાચિત્ સાધુ થયો ને મહાવ્રતાદિ પાળ્યાં તોય રાગથી અંદર મારી ચીજ ભિન્ન છે એવું ભાન કર્યા વિના મિથ્યાત્વવશ ચારગતિમાં રઝળી મર્યો ને દુઃખી જ થયો. ભાઈ! આ અવસર છે હોં. (એમ કે આ ભવમાં તત્ત્વનિર્ણય કરી લે).
હવે કહે છે- ‘આમ અનેકાન્ત હોવા છતાં, “ જે (પર્યાય) તે ક્ષણે વર્તે છે, તેને જ પરમાર્થ સત્પણું હોવાથી, તે જ વસ્તુ છે” એમ વસ્તુના અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ દેખે-માને છે કે “જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે,” તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ દેખવો-માનવો; કારણ કે વૃત્ત્યંશોનું (પર્યાયોનું) ક્ષણિકપણું હોવા છતાં, વૃત્તિમાન (પર્યાયી) જે ચૈતન્ય-ચમત્કાર (આત્મા) તે તો ટંકોત્કીર્ણ (નિત્ય) જ અંતરંગમાં પ્રતિભાસે છે.’
અહા! આ શરીર, મન, વાણી ઇત્યાદિ તો પર છે. તે પોતાના કારણે ટકે છે ને પોતાના કારણે બદલે છે; તેમાં આત્મા બીલકુલ કારણ નથી. છતાં એની સંભાળ હું કરું એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અહીં વિશેષ વાત છે. આત્મા-દ્રવ્ય પર્યાયરૂપથી અનિત્ય અને દ્રવ્યરૂપથી નિત્ય -એમ અનેકાન્તમય છે. છતાં જે ક્ષણિક પર્યાયને જ પરમાર્થ સત્ય આત્મા માને છે, ત્રિકાળી નિત્ય દ્રવ્યને માનતો નથી તે મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે. એક સમયની પર્યાયમાં આખું તત્ત્વ માને છે તે મૂઢ છે. અહા! વસ્તુના એક અંશમાં વસ્તુપણાનો અધ્યાસ કરીને એક સમયની અવસ્થામાં જે આખો ત્રિકાળી આત્મા માને છે તે મૂઢ છે, અજ્ઞાની છે.
અહા! શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે માને છે કે- “જે કરે છે તે જ નથી ભોગવતો, બીજો કરે છે અને બીજો ભોગવે છે” -તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે. શું કીધું? એક સમયની અવસ્થા (અવસ્થાગત દ્રવ્ય) બીજે સમયે રહે તો શુદ્ધનયનો નાશ થઈ જાય, તેમાં કાળની ઉપાધિ આવતાં અશુદ્ધિ આવી જાય-એમ માનીને એક સમયના અંશમાં જ આખી ચીજ (દ્રવ્ય) માને છે તે જીવ, કહે છે, મિથ્યાદ્રષ્ટિ છે.
અહા! અજ્ઞાનીની એક સમયની પર્યાયમાં જ અનાદિથી રમત છે-એક સમયની પર્યાય પાછળ આખું ધ્રુવ નિત્ય ચૈતન્યતત્ત્વ પડયું છે એની એને ખબર નથી. અરે! એ મોટો ત્યાગી થયો, સાધુ થયો પણ પર્યાયમૂઢ જ રહ્યો. અહા! એણે મહાવ્રતાદિના રાગની રુચિમાં રહીને અંદર રહેલા પોતાના નિત્યાનંદ-ચિદાનંદસ્વરૂપ અંતઃતત્ત્વને વિસારી દીધું; દ્રષ્ટિમાં લીધું નહિ.