Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3313 of 4199

 

૨૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ -અન્ય કરે છે,” તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. અર્હંતના મતનો નથી; કારણ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે;.....’

શું કીધું? વસ્તુ તો અનેકાન્તમય જ છે. વર્તમાન પર્યાય જે ભાવ કરે તેનું ફળ બીજી ભવિષ્યની પર્યાય ભોગવે છે તેથી કરીને કાંઈ આત્મદ્રવ્ય બદલાઈ જતું નથી કે નષ્ટ થઈ જતું નથી, આત્મા તો તે પર્યાયોમાં તેનો તે જ રહે છે. દ્રવ્યની અપેક્ષાએ તો જે દ્રવ્યે વર્તમાન પર્યાયમાં કાર્ય કર્યું છે તે જ દ્રવ્ય બીજી ક્ષણે તેના ફળને ભોગવે છે.

પ્રશ્નઃ– દ્રવ્ય તો ભોગવતું નથી ને? ઉત્તરઃ– પર્યાયને દ્રવ્ય કરતું નથી અને દ્રવ્ય ભોગવતું નથી એ વાત અહીં અત્યારે નથી; અહીં બીજી વાત છે. અહીં તો પર્યાયોમાં દ્રવ્ય અન્વયરૂપ રહેલું છે એમ દ્રવ્ય ને પર્યાય બન્નેને સિદ્ધ કરવાં છે. તેથી કહ્યું કે પર્યાય અપેક્ષા જે પર્યાય કરે છે તે ભોગવતી નથી, પછીની બીજી પર્યાય ભોગવે છે તથાપિ દ્રવ્ય અપેક્ષાએ તો જે કરે છે તે જ ભોગવે છે. અહીં તો એક પર્યાયમાં જ (આત્મા જાણીને) રમતુ માંડી છે તેને તેથી અધિક આત્મદ્રવ્ય ત્રિકાળસ્વરૂપે નિત્ય રહેલું છે તેનું ભાન કરાવવું છે. સમજાણું કાંઈ....? તેને પર્યાયબુદ્ધિ છોડાવીને દ્રવ્યદ્રષ્ટિ કરાવવી છે.

અરે ભાઈ! ત્રિકાળી નિત્ય નિજ દ્રવ્યની દ્રષ્ટિ કર્યા વિના જ તું અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં રઝળી રહ્યો છો. અહાહા....! જુઓને! કંદમૂળની એક નાનકડી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને તે દરેક શરીરમાં અનંત અનંત નિગોદના જીવ છે. જે અનંત સિદ્ધ થયા ને હવે થશે એનાથી અનંતગુણા જીવ તે દરેક શરીરમાં છે, તે દરેક અંદર દ્રવ્યસ્વરૂપથી ભગવાનસ્વરૂપ છે; પણ અરે! એને ક્યાં ખબર છે? એને ક્યાં ભાન છે? અરેરે! આવી હીન દશા! ભાઈ! નિગોદમાંથી નીકળી અનંતકાળેય ત્રસ થવું મુશ્કેલ છે. તેમાંય વળી મનુષ્યપણું ને જૈનકુળ અને જિનવાણીનો સમાગમ મળવાં મહા દુષ્કર- દુર્લભ છે, તને આવી સાચી વાત સાંભળવા મળી ને હવે તારે કોને રાજી રાખવા છે? તારે કોનાથી રાજી થવું છે? (એમ કે તું અંદર પોતે પરમાનંદમય ભગવાનસ્વરૂપ છો તેને જ રાજી કર ને તેમાં જ રાજી થા).

અહીં પર્યાયબુદ્ધિવાળા ક્ષણિકવાદી જીવોને જાગ્રત કરીને કહે છે-ભાઈ! તું તો અંદર ત્રિકાળી તત્ત્વ છો ને પ્રભુ! અહાહા....! જેનો આશ્રય કરવો છે એવો નિત્ય ચૈતન્યપરમેશ્વર તું છો ને નાથ! આશ્રય કરનારી તો પર્યાય છે, પણ તેનું આશ્રયસ્થાન એવો આત્મા ચૈતન્યચમત્કાર પ્રભુ ત્રિકાળી નિત્ય છે. તે એકના આશ્રયે જ સમકિત આદિ ધર્મ થાય છે. આશ્રયભૂત નિત્ય દ્રવ્ય ને આશ્રય કરનારી પર્યાય -એમ બન્ને મળીને વસ્તુ પૂર્ણ છે અને આવું વસ્તુનું અનેકાન્તસ્વરૂપ છે.