સમયસાર ગાથા ૩૪પ થી ૩૪૮ ] [ ૨૯પ
અહીં કહે છે-વસ્તુ આવી અનેકાંતમય હોવા છતાં, શુદ્ધનયને સમજ્યા વિના, વસ્તુને જો ત્રિકાળી માનશું તો તેને કાળની ઉપાધિ આવી જશે એમ વિચારી એકાંતે એક સમયની પર્યાયને જ આત્મા માનીને, “ જે કરે છે તે જ ભોગવતો નથી, -અન્ય ભોગવે છે અને જે ભોગવે છે તે જ કરતો નથી, -અન્ય કરે છે”-એમ જેઓ માને છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે, તેઓ અર્હંતના મતના નથી. ભાઈ! શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને જ આખી વસ્તુ માને છે તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે પછી બહારમાં ભલે તે જૈનો જેવા દેખાતા હોય.
અરે ભગવાન! અનંતકાળમાં અનંત વાર તું જૈનનો નગ્ન દિગંબર સાધુ થયો, હજારો રાણીઓ છોડીને બ્રહ્મચર્યનું પાલન કર્યું, છ છ માસનાં આકરાં ઉપવાસાદિ તપ કર્યાં, પણ અંદર આનંદનો નાથ નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેની દ્રષ્ટિ કરી નહિ! અહાહા...! વર્તમાન વર્તમાન વર્તતી પર્યાયની પાછળ અંદર ચિદાનંદ સ્વભાવથી ભરેલો ભગવાન આખો પડયો છે પણ અરેરે! પર્યાયની રમતુમાં મૂર્છાઈને તેને જોયો નહિ!
પર્યાયમાં દયા, દાન, વ્રત આદિના જે ભાવ થાય તે ક્ષણિક વિકારના પરિણામ છે. તેને ધર્મ માનનારા પણ પર્યાયદ્રષ્ટિ જ છે, કેમકે તેમને અંદર ત્રિકાળી નિત્ય ચૈતન્યદ્રવ્યનો સ્વીકાર થયો નથી. અહાહા...! આત્મા આનંદનો નાથ અંદર ચૈતન્યચમત્કાર પ્રભુ અનુભવગોચર નિત્ય એક જ્ઞાયકપણે રહેલો છે. છટ્ઠી ગાથામાં એક શુદ્ધ જ્ઞાયકભાવ કહ્યો છે ને! અહા! આવા નિજ નિત્ય દ્રવ્યની દ્રષ્ટિ કર્યા વિના પર્યાયમાં રમતુ માંડીને તેમાં (-શુભરાગમાં) સંતુષ્ટ થયો છે તે, કહે છે, મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! નિજ ચૈતન્યચમત્કાર- વસ્તુનું ભાન કર્યા વિના જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે. આવી વાત!
વર્તમાન (-પર્યાય) જ વસ્તુનું સર્વસ્વ છે; ત્રિકાળ માનીએ તો ઉપાધિ આવી જાય, અશુદ્ધતા થઈ જાય એમ વિચારીને ‘જે કરે છે તે જ ભોગવતો નથી, અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે કરતો નથી, અન્ય કરે છે’ -એમ જે જીવ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતની બહાર છે; કેમ? કેમકે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં, દ્રવ્યરૂપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે.
એ જ સિદ્ધ કરે છે- ‘પ્રત્યભિજ્ઞાનથી જણાય છે કે “બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું તરુણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું.” આ રીતે જે કથંચિત્ નિત્યરૂપે અનુભવગોચર છે-સ્વસંવેદનમાં આવે છે અને જેને જિનવાણી પણ એવો જ ગાય છે, તેને જે ન માને તે મિથ્યાદ્રષ્ટિ છે એમ જાણવું.’