૩૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ આકાશાદિ અન્ય દ્રવ્યોમાં પણ અમૂર્ત્તપણું છે. તેમ આ બૌદ્ધો કહે છે- એક સમયમાં વિદ્યમાન આત્માને બીજા સમયમાં માનીએ તો અતિવ્યાપ્તિ દોષ લાગી જાય. આ તો ક્ષણિક માને છે ને? તેની આ યુક્તિ-તર્ક છે. સમજાય છે કાંઈ....!
પણ ભાઈ! આત્મા નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ નિત્ય શુદ્ધ છે. પર્યાય નાશ થવા છતાં તેનો કયાં નાશ થાય છે? નિયમસારમાં કહ્યું છે કે-સંવર, નિર્જરા ને મોક્ષની પર્યાય નાશવંત છે, કેવળજ્ઞાનની પર્યાય પણ નાશવંત છે અને અંદર આત્મા તો અવિનાશી નિત્ય ધ્રુવ પ્રભુ છે. કેવળજ્ઞાનની પર્યાય પણ એક સમય રહે છે, બીજે સમયે બીજી થાય પણ તે રહે એક સમયમાત્ર; જ્યારે દ્રવ્ય તો ત્રિકાળી નિત્ય અને શાશ્વત છે, શુદ્ધ છે.
પણ એક સમયની પર્યાયમાં રોકાઈને જેની બુદ્ધિ અંધ થઈ છે તે આ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને સ્વીકારતો નથી. એમ કે એક સમયની પર્યાયથી દેખવા-જાણવાનું કામ ચાલે છે, તો પછી તેને નિત્ય માનવાથી શું પ્રયોજન છે? આ પ્રમાણે અજ્ઞાની જીવ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યતત્ત્વને છોડી દે છે.
રાજાના સેવક-હજુરિયા હોય ને? તે રાજવલ્લભ હોય છે. રાજાની ખુશામત કરીને તેની પાસેથી ઈનામ મેળવે છે. તેમ અજ્ઞાની જીવ જગતને રાજી કરી, રાગની ખુશામત કરી, જાણે બહારથી સુખ લેવા માગે છે અને અંદર સુખનો ભંડાર ચૈતન્યમૂર્તિ ભગવાન બિરાજે છે તેને છોડી દે છે.
આત્મા નિત્યાનંદસ્વરૂપ ત્રિકાળ ધ્રુવ પ્રભુ છે. તેનો વર્તમાન પર્યાયમાં સ્વીકાર કરવો તે નીતિ છે. પણ એને બદલે એક સમયની પર્યાય જેટલો માની, દયા, દાન આદિ શુભમાં તું ખુશી થઈ જાય તે ખુશામતખોરી છે, અનીતિ છે. તું અતિવ્યાપ્તિદોષ બતાવે છે પણ વસ્તુ જ જ્યાં સર્વથા ક્ષણિક નથી ત્યાં એ દોષ ક્યાં રહ્યો? એ તો તારો કુતર્ક છે, કાલ્પનિક તર્ક છે.
‘આ દોષના ભયથી તેઓએ શુદ્ધ ઋજુસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર (-ક્ષણિક જ-) આત્માને માન્યો અને નિત્યાનિત્યસ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્યાનિત્યસ્વરૂપ-દ્રવ્યપર્યાયસ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્યાર્થ નથી.’
જોયું આત્માને સર્વથા ક્ષણિક માનવાથી સત્યાર્થ આત્માની પ્રાપ્તિ થતી નથી, કેમકે વસ્તુ સર્વથા ક્ષણિક નથી. વસ્તુ તો દ્રવ્યપર્યાયસ્વરૂપ નિત્યાનિત્યસ્વરૂપ છે. હવે તેનું દ્રષ્ટાંત કહે છે-