સમયસાર ગાથા ૩૪પ થી ૩૪૮ ] [ ૨૯૯ બદલે એણે વર્તમાન પર્યાયની રુચિમાં ત્રિકાળી ભગવાનને-નિજ પરમાત્માને છોડી દીધો છે.
પરવસ્તુ તો આત્માથી ભિન્ન છે. તેમાં આત્મા રમી શકતો નથી પરંતુ પરનું લક્ષ કરીને તે વર્તમાન પર્યાયમાં જે રાગ-દ્વેષ-મોહ ઉપજે છે. તેમાં અજ્ઞાની રમે છે. અહા! ત્યાં એક સમયની પર્યાય સાથે એકત્વ કરીને, તેને જ આખો આત્મા કલ્પીને, અજ્ઞાનીએ અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા નિત્ય વિરાજી રહ્યો છે તેને છોડી દીધો છે, તેનો અનાદર- તિરસ્કાર કર્યો છે. કોની જેમ? તો કહે છે-જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ મોતીને ન જોનારાઓ હારને છોડી દે છે તેમ.
અહાહા...! હારમાં દરેક મોતમાં સળંગ રહેનારો દોરો તો કાયમ છે. પણ દોરો નહિ જોનારા ને કેવળ મોતીને જ જોનારા આખા હારને છોડી દે છે અર્થાત્ તેમને હારની ઉપલબ્ધિ થતી નથી. તેમ એક ક્ષણની પર્યાયને જ આત્મા જોનારા અને સળંગ દોરા સમાન નિત્ય ધ્રુવ ચૈતન્યપ્રભુ વિરાજે છે તેને નહિ જોનારા, આખા આત્માને છોડી દે છે; અર્થાત્ તેમને આત્માની ઉપલબ્ધિ થતી નથી; તેઓ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
આત્મા પરચીજને તો અડતો નથી કેમકે આત્મને ને પરચીજને પરસ્પર અત્યંતાભાવ છે. પોતાની એક સમયની અવસ્થાને આત્મા ચુંબે છે, તથાપિ એક સમયની પર્યાયને જ આખો આત્મા માને છે તેણે આનંદકંદ નિત્ય ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માને દ્રષ્ટિમાંથી છોડી દીધો છે. પર્યાયને જ જોનારો તેના જ લક્ષમાં રહીને, તેમાં જ રત રહ્યા થકો, પોતાના ધ્રુવ નિત્ય ચિદાનંદ ભગવાનને છોડી દે છે. અહા! તે જીવ મૂઢ મિથ્યાદ્રષ્ટિ જ છે; તેને આત્મોપલબ્ધિ થતી નથી.
‘આત્માને સમસ્તપણે શુદ્ધ માનવાના ઈચ્છક એવા બૌદ્ધોએ વિચાર્યું કે “આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે તેથી ઉપાધિ લાગી જશે; એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યાપ્તિ દોષ લાગશે.”
જુઓ, આ બૌદ્ધોએ એમ વિચાર્યું છે કે આત્માને નિત્ય માનીએ તો તેને કાળની ઉપાધિ લાગી જાય અને તેને અશુદ્ધતા આવી જાય, વળી તેને નિત્ય માનતાં અતિવ્યાપ્તિ દોષ આવી પડે, એટલે શું? કે આત્મા એક સમય પૂરતો ક્ષણિક છે તે બરાબર છે, પણ તેને નિત્ય માનતાં તે બીજા સમયોમાં પણ રહે અને તેથી અતિવ્યાપ્તિ દોષ આવી જાય. જેમ આત્મા અમૂર્ત્ત છે એમ અમૂર્ત્તપણાથી આત્માને ઓળખતાં અતિવ્યાપ્તિ દોષ આવે છે ને? કેમકે આત્મા સિવાય