સમયસાર ગાથા ૩૪પ થી ૩૪૮ ] [ ૩૦૭ ને જે વાણી નીકળે તે એનું કર્મ -એ અસત્યાર્થ છે. ભગવાનની વાણી-એમ વ્યવહારિક દ્રષ્ટિથી કહીએ, પણ વસ્તુસ્થિતિ એમ નથી. સમજાય છે કાંઈ....?
‘કેવળ વ્યવહારદ્રષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે છે; નિશ્ચય-દ્રષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે.’
આત્માને શરીર, મન, વાણી ઇત્યાદિ પરના કાર્યનો કર્તા કહેવો એ કેવળ વ્યવહારદ્રષ્ટિથી જ છે. એને રાગનો કર્તા કહીએ એ પણ વ્યવહારનયથી છે. અજ્ઞાનભાવે આત્મા રાગનો કર્તા તો છે, પણ પરનો કર્તા તો અજ્ઞાનભાવેય જીવ નથી. તથાપિ જેને શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવની અંતર્દ્રષ્ટિ થઈ નથી તે પરનાં કાર્ય કરે-એમ વ્યવહારિક દ્રષ્ટિથી કહેવામાં આવે છે. પરનાં કાર્ય જીવ કરે છે- કરી શકે છે એમ નહિ, પણ તે કાળે તે પર્યાયમાં ‘આ હું કરું’ - એમ રાગને કરે છે તેથી અસત્દ્રષ્ટિથી તેને કર્તા કહેવામાં આવે છે. બાકી સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ તો રાગનોય કર્તા નથી ને પરનોય કર્તા નથી; એ તો એને જે શુભાશુભ રાગ થાય તેનો જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણનારમાત્ર છે. ઝીણી વાત છે ભાઈ! જેને શુદ્ધ એક ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ થઈ તે વિકારને કેમ કરે? ન કરે; અને તો પછી પરનાં કાર્ય કરવાનો વ્યવહાર પણ એને કેમ હોય? ન હોય. ધર્મી તો બધાનો જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણનાર જ છે. આવી વાત!
નિશ્ચયદ્રષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તાકર્મપણું ઘટે છે. નિશ્ચયથી આત્મા કર્તા અને તેના નિર્મળ ચૈતન્યના પરિણામ થાય તે એનું કર્મ-એમ કર્તાકર્મપણું ઘટે છે; પણ પરની દયા પળાય ત્યાં આત્મા કર્તા ને પરની દયા થઈ તે એનું કાર્ય-એમ કર્તાકર્મપણું વાસ્તવિક છે નહિ; વ્યવહારદ્રષ્ટિથી કહેવામાં આવે છે. આવું ઝીણું છે બધું. સમજાણું કાંઈ....?