૩૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પરમાણુ કર્તા અને દેહ છૂટી જાય તે એનું કર્મ એમ છે નહિ. એ તો દેહમાં જીવને તેટલો જ કાળ રહેવાની યોગ્યતા છે એમ યથાર્થ સમજવું; જે સમયે દેહ છૂટવાયોગ્ય હોય તે જ સમયે દેહ છૂટી જાય છે, ખટારાના પરમાણુ અને આયુકર્મના પુદ્ગલો તો એમાં નિમિત્તમાત્ર છે. આયુના કારણે જીવ દેહમાં રહ્યો છે એમ કહેવું એ નિમિત્તનું કથન છે, બાકી આયુ કર્મ કે ખટારાના પરમાણુ ક્યાં એમાં (-જીવમાં) તન્મય છે? નથી જ. તેઓ જીવ સાથે કદીય તન્મય-એકમેક થતાં નથી.
સોની હથોડાં આદિ સાધન વડે કુંડળનો ઘાટ ઘડે છે એમ કહેવું એ વ્યવહાર છે અને તેથી અસત્યાર્થ છે. ભાઈ! આમ હથોડો ઊંચો થાય તે કાર્યનો કર્તા આત્મા નથી. અહાહા....! હથોડો ગ્રહે તે આત્મા નહિ, આમ હથોડો ઊંચો થાય તે કાર્ય આત્માનું નહિ અને કુંડળાદિનો ઘાટ બને તેય આત્માનું કાર્ય નહિ. બહુ ઝીણી વાત! આત્મા પરદ્રવ્યને ગ્રહે-પકડે જ નહિ ત્યાં પછી એને કરણ નામ સાધન બનાવી તે વડે કુંડળ આદિ કરે એ વાત ક્યાં રહે છે?
પણ લોકો એમ કહે છે ને? એ તો વ્યવહાર-અસદ્ભૂત વ્યવહાર છે ને એમ કોઈ માને તો એ એનું અજ્ઞાન છે. વાસ્તવમાં જીવ અજ્ઞાનપણે પોતાના રાગાદિ પરિણામને કરે ને એને ભોગવે બસ એટલું છે, પણ પરદ્રવ્યને તે ગ્રહે કે તેને સાધન બનાવી પરદ્રવ્યની ક્રિયા તે કરે એમ ત્રણકાળમાં સત્યાર્થ નથી. સમજાણું કાંઈ....?
અહાહા....! અંદર આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયકસ્વભાવે બિરાજે છે. અહાહા...! તેનું જેને અંતરમાં ભાન થયું તે જ્ઞાની પુરુષ ધર્માત્મા છે. અહા! તે ધર્મી પુરુષ, પરનો કર્તા છે એ તો દૂર રહો, તે પરના કાર્યકાળે પર્યાયમાં જે રાગ થાય તેનોય કર્તા નથી. કોઈ સોની ધર્માત્મા હોય તે, હથોડા આદિ કરણો વડે કુંડળ કરે છે એમ તો નહિ, પણ કુંડળ થવાના કાળે તેની પર્યાયમાં જે રાગ થાય તેનોય તે કર્તા નથી. આવી સૂક્ષ્મ વાત! સમજાય છે કાંઈ...? બાપુ! હથોડો ગ્રહે ને હથોડો ઊેચો કરે ને આમ કુંડળ ઘડે ઇત્યાદિ બધું ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. અહીં તો અજ્ઞાની જીવ પણ પરદ્રવ્યનું કાંઈ (-પરિણામ) ન કરે એમ સિદ્ધ કરવું છે.
ધર્મી જીવ કદાચિત્ લડાઈમાં ઊભો હોય તો ત્યાં હથિયારને હું આમ ગ્રહી શકું છું ને તે વડે દુશ્મનને હું ઠાર કરી શકું છું -એમ કદીય માનતો નથી. અહા! તે કાળે તેને જે અસ્થિરતાના રાગ-દ્વેષ થાય તેનો પણ તે કર્તા નથી; તે તો તે કાળે થઈ આવતા વિકલ્પનોય જ્ઞાતા જ છે. પરંતુ અજ્ઞાનીની ચાલ જુદી છે.