Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3346 of 4199

 

સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપ ] [ ૩૨૭ કૂટસ્થ સ્થિતિ હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે) ; ‘ततः तद् एव कर्तृ भवतु’ માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે (-એ નિશ્ચય-સિદ્ધાંત છે).

અહા! આ કળશમાં કેટલા સિદ્ધાંત ગોઠવ્યા છે?
૧. ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે;
૨. અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ;
૩. વળી કર્મ કર્તા વિના હોતું નથી;
૪. તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ હોતી નથી;
પ. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે એ નિશ્ચય-
સિદ્ધાંત છે.

ભાઈ! આમાં તો ‘અહં કરોમિ’ હું (પરનું) કરું છું એવા અહંકારને મારી નાખે એવું છે. જુઓ, આ લાકડી આમ ઊંચી થઈ ને? એ લાકડી ઊંચી થઈ તે પરિણામ છે અને તે પરિણામ તેના આશ્રયભૂત પરિણામીનું-પુદ્ગલપરમાણુઓનું જ છે, અન્યનું નહિ. વળી તે પરિણામ અર્થાત્ કર્મ કર્તા વિના કેમ હોય? ન હોય. પહેલાં (લાકડી) એક અવસ્થારૂપ હતી તે હવે બદલીને ઊંચી થવારૂપ થઈ તે તેનો કાળ છે, તે એની વર્તમાન યોગ્યતા છે. કાંઈ આ જીવે કે આંગળીઓએ તેને ઊંચી કરી છે એમ નથી. વસ્તુ અજબ છે ભાઈ! પ્રતિસમય પલટીને કાયમ રહે એવો વસ્તુનો સહજ સ્વભાવ છે. અહીં કહ્યું ને કે-વસ્તુની એકરૂપે સ્થિતિ હોતી નથી. માટે આ લાકડીના પરમાણુઓ જ તેના ઊંચા થવારૂપ કર્મના કર્તા છે એ નિશ્ચય છે. હવે આવી વાત બીજે શ્વેતાંબરાદિમાં કયાં છે?

એક શ્વેતાંબર સાધુ લીંબડીમાં અમારી સાથે ચર્ચા કરવા આવ્યા. કહે કે-આપણે ચર્ચા કરીએ. ત્યારે કહ્યું કે-અમે કોઈ સાથે ચર્ચા (અર્થાત્ વાદ) કરતા નથી. ત્યારે એ કહે-તો લોકો શું માનશે? (એમ કે તમે આવા મોટા વિદ્વાન-જ્ઞાની ને ચર્ચાથી ડરી ગયા?) તો કહ્યું કે-લોકોને માનવું હોય તે માને, અમારે એનાથી શું કામ છે? કહેશે કે ચર્ચા ન આવડી, બસ એ જ ને? આમ પંદર વીસ મિનિટ ગઈ પછી એ કહે-

જુઓ, આ ચશ્મા વિના કાંઈ દેખાય ખરું? ત્યારે કહ્યું કે-ચર્ચા (પૂરી) થઈ ગઈ. અહાહા....! આવો પ્રશ્ન કે-શું ચશ્મા વિના દેખે? દેખવાનું કામ આત્માનું ને ચશ્માથી દેખે, હેં! ! બાપુ! એમ નથી ભાઈ! અહીં કહે છે-