૩૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ તોપણ અન્ય વસ્તુમાં પ્રવેશતી નથી. શું કીધું? દ્રવ્યમાં-વસ્તુમાં અનંત શક્તિઓ છે તોપણ એમાં કોઈ શક્તિ એવી નથી કે પરવસ્તુમાં પ્રવેશીને પરને કરે, પરને બદલે.
આ છરીથી આમ શાક કપાય છે ને? અહીં કહે છે-એ શાકના ટુકડા છરીથી થયા નથી. અહાહા....! છરીના રજકણોની પોતાની પોતામાં અનંત શક્તિ છે, પણ શાકને કાપે એવી છરીની શક્તિ નથી. વાસ્તવમાં છરી તો શાકની બહાર જ લોટે છે; છરી ક્યાં શાકમાં પ્રવેશે છે કે શાકને કાપે? આવી વાત! ભાઈ! આ તો એકલું અમૃત છે બાપા!
અહાહા....! વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેની પર્યાય નામ અવસ્થા બદલીને ક્ષણેક્ષણે બીજી-બીજી થાય છે. ત્યાં કહે છે, સંયોગી બીજી ચીજ (નિમિત્ત) આવી માટે તે અવસ્થા (વિલક્ષણપણે) બદલે છે એમ નથી, કેમકે બીજી ચીજ તો વસ્તુની બહાર લોટે છે, વસ્તુમાં પ્રવેશતી જ નથી. બીજી-બીજી અવસ્થાએ પલટવું એ વસ્તુનો સહજ જ સ્વભાવ છે. આ ચટાઈ છે ને? ચટાઈ.. ચટાઈ; તે આમ બળે છે; ત્યાં કહે છે, અગ્નિકણને લઈને બળે છે એમ નથી. અહા! અગ્નિના પરમાણુ પોતામાં રહેલી અનંત શક્તિથી સંપન્ન છે, પણ તેમાં પરદ્રવ્યની-ચટાઈની (બળવારૂપ) અવસ્થા કરે એવી કોઈ શક્તિ નથી; કેમકે તેઓ પરદ્રવ્યમાં-ચટાઈમાં પ્રવેશતા નથી, બહાર જ લોટે છે. આવી ઝીણી વાત ભાઈ!
પરજીવોની દયા પાળવી તે ધર્મ એમ કહે છે ને? અહીં કહે છે-ભાઈ! તું પરજીવને બચાવી શકતો જ નથી. પોતે તો બહાર બેઠો છે, સામા જીવના આયુની પર્યાયમાં કે તેના આત્માની પર્યાયમાં પ્રવેશ કરતો નથી-કરી શકતો નથી તો બીજા જીવને શી રીતે બચાવી શકે? પર જીવ બચે છે એ તો તેની તે તે કાળની યોગ્યતા છે. અહા! આવું જૈન પરમેશ્વરે કહેલું તત્ત્વ બહુ ગંભીર છે ભાઈ! આ તો રોજના દાખલા કીધા.
મૂળ વાત તો આ છે કે- જીવને જે વિકાર-રાગ થાય છે તે કર્મ કરાવે છે એમ નથી. મોહનીય કર્મના ઉદયને લઈને જીવને વિકાર થાય છે એમ નથી. કેટલાક વિપરીત માને છે પણ જડકર્મ કર્તા ને જીવનો વિકાર કાર્ય એમ નથી બાપુ! કેમકે ઉદયમાં આવેલું જડ કર્મ તો જીવની બહાર જ લોટે છે, તે જીવમાં પેસી શકતું જ નથી. શું કીધું? જડ કર્મમાં એની અનંત શક્તિ ભલે હો, પણ જીવમાં પેસીને એના વિકારને કરે એવી એનામાં કોઈ શક્તિ નથી. અહાહા....! જીવને અડે જ નહિ એ જીવની પર્યાયને કેવી રીતે કરે? અહા! વિકાર અને જડ કર્મ વચ્ચે તો અત્યંતાભાવ છે; તો પછી જડકર્મનો ઉદય જીવના વિકારને કેવી રીતે કરે? ત્રણકાળમાં ન કરે. સમજાણું કાંઈ...?