૩૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ અવસ્થા થવી તે વસ્તુનું સહજ જ છે, નિમિત્ત આવે તો કાર્ય થાય એમ છે જ નહિ.
‘अपरस्य बहिः लुठन् अपि हि’ અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં ‘किं करोति’ તેને શું કરી શકે?
અહાહા...! વસ્તુ વસ્તુ જ છે, એક વસ્તુ બીજી વસ્તુ નથી; આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં તેને શું કરી શકે? કાંઈ ના કરી શકે; માત્ર બહાર લોટે, બસ. શાસ્ત્રના શબ્દ સાંભળીને કોઈને જ્ઞાન થયું કે હું શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ છું તો ત્યાં જે જ્ઞાનની દશા થઈ તે પોતાની પોતાથી થઈ છે, તે તેનો ઉત્પત્તિકાળ છે; શાસ્ત્રના શબ્દોના કારણે તે થઈ છે એમ નથી; શાસ્ત્રના શબ્દો તો બહાર લોટે બસ, અર્થાત્ બાહ્ય નિમિત્તમાત્ર છે બસ. આવી વાત! સમજાણું કાંઈ...? ભાઈ! પરનું જ્ઞાન થવા કાળે પણ પરજ્ઞેયના કારણે જ્ઞાન થાય છે એમ નથી, જ્ઞાન તો જ્ઞાનના કારણે પોતાથી થાય છે, બલ્કે તે એની જન્મક્ષણ છે.
આમ શબ્દોના કારણે જ્ઞાન નહિ ને જ્ઞાનના-આત્માના કારણે શબ્દો નહિ. શું કીધું? આ ભાષા બોલાય છે ને? તે કાંઈ આત્માના વિકલ્પના કારણે બોલાય છે એમ નથી. આ હળવે બોલાય, તાણીને બોલાય એ ભાષાવર્ગણાની અવસ્થા છે, તે પર્યાય પુદ્ગલ-રજકણોનું કાર્ય છે, એ કાંઈ આત્માનું કાર્ય નથી. બાપુ! બોલે તે બીજો (- પુદ્ગલ), બોલે તે આત્મા નહિ. સમજાય છે કાંઈ...?
‘વસ્તુનો સ્વભાવ એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી ન શકે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે.’
જુઓ, આ વસ્તુનો સ્વભાવ કહ્યો. શું? કે- -એક આત્મા બીજા આત્માને પલટાવી ન શકે, -એક પરમાણુ બીજા આત્માને પલટાવી ન શકે, -એક પરમાણુ બીજા પરમાણુને પલટાવી ન શકે અને -એક આત્મા બીજા પરમાણુને પલટાવી ન શકે. ભાઈ! કુંભાર છે તે માટીને પલટાવીને ઘડો ન કરી શકે; અર્થાત્ ઘડો એ કુંભારનું કાર્ય નથી. માટી જ સ્વયં પલટીને ઘડો થઈ હોવાથી માટી કર્તા ને ઘડો તેનું કાર્ય છે. બાપુ! આત્મામાં અનંત શક્તિ છે, પણ પરનું કાર્ય કરે એવી એનામાં કોઈ શક્તિ નથી. આત્મામાં સર્વને જાણવાની શક્તિ છે; વ્યવહારરત્નત્રયના