૩૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ રાગ નિમિત્ત છે અને રાગને જ્ઞાનની પરિણતિ નિમિત્ત છે; પણ જ્ઞાનથી રાગ થયો કે રાગથી જ્ઞાન થયું એમ છે નહિ. અહીં ચેતયિતા શબ્દ છે, ચેતયિતા શબ્દથી જ્ઞાનનું જે પરિણમન થયું એની અહીં વાત છે. ચેતયિતા જ્ઞાનરૂપે પરિણમ્યો તે રાગને નિમિત્ત છે, અને તેને રાગ નિમિત્ત છે; પણ કર્તાકર્મ નહિ. અહા! ભગવાન કેવળીના શ્રીમુખેથી જે ઇન્દ્રો, મહામુનિવરો અને ચાર જ્ઞાનના ધણી ગણધરોએ સાંભળી તે આ વાત છે, મહા સૂક્ષ્મ ને ગંભીર! અહા! ચાર જ્ઞાનના ધણી ભગવાન ગણધરદેવ અતિ નમ્ર થઈ જે વાણી સાંભળવા બેસે તેની શી વાત! અહા! તે અસાધારણ અલૌકિક આ વાત છે.
અહા! ધર્મી પુરુષની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે. તેને રાગની એકત્વબુદ્ધિનું પરિણમન નથી. અહા! તેને સમયસમયનું ક્રમબદ્ધ જે જ્ઞાનનું પરિણમન થાય છે તેમાં તે, તે તે કાળે જે રાગ છે તેને તે (પૃથક) જાણે છે. ત્યાં જે રાગ છે તે જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત છે બસ. તે તે રાગને જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત કહેવામાં આવે છે. એનો અર્થ એ કે એ બન્ને સાથે છે. બાકી રાગ કર્તા ને જ્ઞાનનું જે પરિણમન થયું તે કાર્ય એમ નથી; તથા જ્ઞાન કર્તા ને જે રાગ થયો તે કાર્ય એમ પણ નથી. ખરેખર તો જ્ઞાનનું પરિણમન તે કાર્ય અને ભગવાન આત્મા તેનો કર્તા-એમ કહીએ એ પણ ભેદ-ઉપચાર છે. વાસ્તવમાં જ્ઞાનની પરિણતિનો કર્તા તે પરિણતિ પોતે છે; આત્માને તેનો કર્તા કહેવો તે ભેદોપચાર છે, વ્યવહાર છે. આવી ગજબ વાત છે પ્રભુ! સત્ જ આવું છે; ભગવાને જેવું ભાળ્યું તેવું ભાખ્યું છે, અને તે આ છે.
અહા! આમાં તો પર્યાય-પર્યાયની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે. અહા! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા-તેની જ્ઞાનની પર્યાય ક્રમબદ્ધ થાય તે સ્વતંત્ર છે. રાગ છે માટે જ્ઞાન થાય છે એ તો ક્યાંય દૂર રહ્યું, દ્રવ્ય (ત્રિકાળી) છે માટે તેની જ્ઞાનની પર્યાય થાય છે એમ પણ નથી; કેમકે દ્રવ્ય તો સદાય છે, છતાં પરિણતિ એકરૂપ થતી નથી, ભિન્ન ભિન્ન થાય છે. પર્યાય ભિન્ન ભિન્ન થાય છે એ પર્યાયનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે એમ સિદ્ધ કરે છે. આવી વાત બહુ ઝીણી!
હવે આવું, બહારમાં રસ હોય એટલે માણસને આકરું લાગે એટલે કહે કે- દયા કરો ને દાન કરો ને વ્રત કરો ને ઉપવાસ કરો ઇત્યાદિ. પણ બાપુ! એ ધર્મ નથી, એવું એવું તો અનંતવાર કર્યું પ્રભુ! પણ એ તો બધી રાગની ક્રિયા ભગવાન! અહીં કહે છે-એ તારા જ્ઞાનસ્વભાવના પરિણમનમાં નિમિત્તપણે જાણવાલાયક છે, બસ. વળી તે રાગની ક્રિયામાં જ્ઞાનનું પરિણમન પણ નિમિત્ત તરીકે છે, એણે રાગ ઉત્પન્ન કર્યો છે એમ નથી. અહાહા.....! આ સમયસાર તો અપાર ગંભીર, જાણે કેવળજ્ઞાનનો કક્કો!!