૩૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ પરિણામ પણ અશુચિ છે, જડ છે, દુઃખનાં જ કારણ છે. અહાહા....! વ્યવહારના પક્ષવાળા રાડ નાખી જાય એવી વાત છે ને? પણ ભાઈ! વિકલ્પની જે વૃત્તિ ઉઠે છે તે જડ છે અને એનાથી ભિન્ન પડી સ્વાનુભવ કરવો ને સ્વમાં જ રહેવું એ જ આ મનુષ્યભવમાં કરવા જેવું કર્તવ્ય છે.
ધર્મી પુરુષને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ આવે છે ખરા, પણ તે વિકલ્પ તેના જ્ઞાનનું જ્ઞેય છે, શ્રદ્ધાનમાં હેય છે અને ચારિત્રની અપેક્ષાએ તે દોષ છે, ઝેર છે. ધર્માત્મા પુરુષ કણમાત્ર રાગને હેય જ જાણે છે, માને છે.
ત્યારે કોઈ પંડિત વળી શુભભાવને-પુણ્યભાવને ઉપાદેય માને છે.
અરે ભગવાન! તું શું કહે છે? અહીં તો સ્પષ્ટ વાત છે કે રાગમાત્ર હેય છે, કેમકે રાગ અશુચિ છે, જડસ્વભાવ છે ને દુઃખનું કારણ છે. અહાહા....! ધ્રુવના ધ્યાન વિના ત્રણકાળમાં સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી; નિમિત્તથી નહિ, શુભરાગથી નહિ ને પર્યાયના લક્ષથી પણ સમ્યગ્દર્શન થતું નથી; એકમાત્ર નિત્યાનંદ ધ્રુવધામ પ્રભુ આત્માની દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આવી વાત છે. સમજાણું કાંઈ....?
અહાહા....! ભગવાન આત્મા સદા નિરાકુળસ્વભાવ છે તે રાગનું કારણેય નથી ને રાગનું કાર્ય પણ નથી. શું કીધું? નિરાકુળ આનંદનો નાથ પ્રભુ આત્મા રાગનું કારણ નથી. આત્મા કારણ અને રાગ તેનું કાર્ય એમ નથી. અહાહા....! શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ મલિન રાગનું કારણ કેમ થાય? વળી વ્યવહારરત્નત્રયનો રાગ કારણ ને નિશ્ચયરત્નત્રય એનું કાર્ય એમ પણ નથી. આ તો ભગવાનની વાણી બાપુ! વિદેહમાં જઈને શ્રી કુંદકુંદ પ્રભુ આ લઈ આવ્યા છે. તેમાં આ કહે છે કે ભગવાન આત્મા રાગનું કારણ પણ નથી, કાર્ય પણ નથી. માર્ગ તો આવો છે પ્રભુ! ભગવાનનું તત્ત્વજ્ઞાન અતિ સૂક્ષ્મ છે, પણ શું થાય? તત્ત્વદ્રષ્ટિ થયા વિના એના જન્મ-મરણના અંત આવે એમ નથી.
અહીં કહે છે-ભગવાન આત્મા દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું એક દ્રવ્ય છે. આમાં ‘દર્શન’ શબ્દ વડે દર્શનગુણ ને શ્રદ્ધાગુણ -એમ બન્નેની વાત છે. અહાહા....! દેખવાના સ્વભાવથી પરિપૂર્ણ ને શ્રદ્ધાના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો એવો ભગવાન આત્મા છે. તો શું કહે છે? કે આવો આત્મા ચેતયિતા પ્રભુ પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતો નથી. અહાહા....! જેમ શ્વેતગુણથી ભરેલી ખડી ભીંતરૂપે થતી નથી તેમ ભગવાન આત્મા શરીરાદિ કે રાગાદિરૂપે થતો નથી. ભાઈ! આત્મા વ્યવહારરત્નત્રયના વિકલ્પપણે થતો નથી.