સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૭૯
વળી પુદ્ગલાદિ પરદ્રવ્યને આત્મા પોતાના સ્વભાવરૂપે પરિણમાવતો-કરતો નથી. અહાહા...! આ શરીર તો હાડ-માંસ ને ચામડાં પ્રભુ! તે-રૂપે આત્મા થતો નથી એ તો ઠીક, શુભરાગના સ્વભાવે પણ આત્મા થતો નથી તથા રાગને, શરીરાદિને પોતારૂપ કરતો નથી. આવી સૂક્ષ્મ વાત! ભાઈ! રાગ જે ઉત્પન્ન થાય છે તેને પરમાત્મા પુદ્ગલ કહે છે. જડસ્વભાવ છે ને? તેથી પુદ્ગલના પરિણામ કહીને તેને પુદ્ગલ કહી દીધો છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ છે અને પર્યાયમાં રાગ જે ઉત્પન્ન થાય છે તે જડ હોવાથી પુદ્ગલસ્વભાવ છે. ભાઈ! આ શરીરાદિ ને પૈસા-ધૂળ વગેરે તો પુદ્ગલમય છે, પણ રાગ જે થાય છે તેય પુદ્ગલમય છે આવી વાત!
ત્યારે બોટાદમાં એક વાર કોઈએ પ્રશ્ન કર્યો હતો કે -મહારાજ! તમે પૈસાને ધૂળ, ધૂળ-એમ વારંવાર કહો છો, પણ પૈસા વિના કાંઈ ચાલે છે?
ત્યારે કીધું ‘તું કે-ભાઈ! ભગવાન આત્મા સદાય પોતાના શુદ્ધ એક ચૈતન્યસ્વભાવથી અસ્તિરૂપ છે અને લક્ષ્મી-ધૂળ આદિથી નાસ્તિપણે છે. આ બધા કરોડપતિઓ એમ માને કે અમે લક્ષ્મીપતિ છીએ, પણ ધૂળેય લક્ષ્મીપતિ નથી; કેમકે લક્ષ્મી-ધૂળનો આત્મામાં કદીય પ્રવેશ થઈ શકતો નથી, અરે! એ બન્નેને પરસ્પર અડવાનોય સંબંધ નથી. બાપુ! અનંતકાળમાં તું લક્ષ્મી વિના જ રહ્યો છે, જો લક્ષ્મી તારી થઈ જાય તો તું જડ જ થઈ જાય. લક્ષ્મી વિના ન ચાલે એમ તું માને એ તો તારું પાગલપણું છે; એમ માનનારા કરોડપતિઓય બધા પાગલ જ છે. શું થાય? આકરું લાગે પણ આ વસ્તુસ્વરૂપ છે.
ભાઈ! તારી સમૃદ્ધિ અને તારા વૈભવની વાત તું એક વાર સાંભળ. અહાહા....! જ્ઞાન અને આનંદની ત્રિકાળી સંપદાથી ભરેલો ચૈતન્યનિધિ પ્રભુ તું ભગવાન આત્મા છો. અહાહા.....! આવી નિજ ચૈતન્યસંપદાને છોડીને, અહીં કહે છે, આત્મા પુદ્ગલાદિરૂપ ને રાગાદિરૂપ કદી થતો નથી. કોઈ ગમે તે માનો, આત્મા સદા એક જ્ઞાયકસ્વરૂપે જ રહ્યો છે. પ્રવચનસાર, ગાથા ૨૦૦ ની ટીકામાં આચાર્ય ભગવાન કહે છે કેઃ- જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે, તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.
અરે ભાઈ! ત્રિલોકીનાથ પરમાત્માનાં આ કહેણ આવ્યાં છે તેનો તું સ્વીકાર કર. મોટા ઘરનું કહેણ આવે તો જેમ લોકમાં સગપણ કરે જ, પાછું ન ઠેલે, તેમ આ ભગવાનનાં કહેણ આવ્યાં છે તેને તું પાછાં ન ઠેલ. અહાહા.....! કહે છે-પ્રભુ!