સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૮૧ અર્થ નથી. નિમિત્ત એક બીજી ચીજ છે બસ, પણ નિમિત્ત કાંઈ જીવની પર્યાયને કરતું નથી. તેવી રીતે રાગના પરિણામ છે તેમાં દર્શનગુણની પર્યાય નિમિત્ત છે, ત્યાં દર્શનગુણના કારણે રાગ થયો છે એમ નથી. અહા! અરસપરસ નિમિત્ત છે, પણ દર્શનગુણના કારણે રાગ નહિ ને રાગના કારણે દર્શનગુણની પર્યાય નહિ. બન્ને ભિન્ન ભિન્ન ચીજ છે. અહો! આ અલૌકિક વાત છે. કહે છે-
ચેતયિતા, પોતાના (-પુદ્ગલાદિના) સ્વભાવ વડે ઉપજતા પુદ્ગલાદિ દ્રવ્યને પોતાના (અર્થાત્ ચેતયિતાના) સ્વભાવથી દેખે છે અથવા શ્રદ્ધે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે. રાગની શ્રદ્ધા કરે છે એમ કહીએ તે વ્યવહાર છે. શ્રદ્ધા તો સ્વસ્વરૂપની પોતાની છે, પણ નિમિત્તની મુખ્યતામાં જે કહેવાય છે કે રાગની શ્રદ્ધા કરે છે’-તે વ્યવહાર છે. સ્વસ્વરૂપનું પોતાનું શ્રદ્ધાન-દર્શન તે નિશ્ચય છે. આવી વાત છે.
‘વળી (જેવી રીતે જ્ઞાન-દર્શનગુણનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે ચારિત્રગુણનો વ્યવહાર કહેવામાં આવે છેઃ-
જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (- ભીંત-આદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (- ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે;....’
અહાહા....! શ્વેતગુણના સ્વભાવથી ભરેલી ખડી ભીંત-આદિને શ્વેત કરે છે એમ કહેવામાં આવે છે તે, કહે છે, વ્યવહાર છે. વાસ્તવમાં તો પોતાના શ્વેત સ્વભાવે પરિણમતી ખડી પોતાની સફેદાઈને કરે છે, તે કાંઈ ભીંત-આદિરૂપે થતી નથી, ને ભીત- આદિને પોતારૂપ કરતી નથી. શું કીધું? ખડી કાંઈ ભીંતમાં પ્રવેશતી નથી, ને ભીંત- આદિને પોતાની સફેદાઈરૂપ કરતી નથી. હા, ખડી ને ભીંત-આદિ અરસપરસ નિમિત્ત છે. નિમિત્ત હો. પણ તેઓ એકબીજાનું કાંઈ કરતાં નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે, માટે ખડી ભીંત-આદિને શ્વેત કરે છે એમ માત્ર વ્યવહારથી-ઉપચારથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...? આ દ્રષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છેઃ-
‘તેવી રીતે જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોહનસ્વરૂપ સ્વભાવ છે એવો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને