સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૮૭ ઇત્યાદિ એના પોતાના પરિણામ છે. હવે જાણવા-દેખવાના પરિણામ, કહે છે, વ્યવહારરત્નત્રયના વિકલ્પને જાણે છે એમ નિશ્ચયથી કહી શકાતું નથી, અર્થાત્ એમ કહીએ તે માત્ર વ્યવહારથી જ છે; કેમકે રાગ ને જાણવાની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે, બન્ને ભિન્ન ચીજ છે. નિશ્ચયથી તો આત્મા પોતાની પર્યાયને જાણે છે. અહાહા...! ત્યાં ભાવક પોતાના ભાવને જાણે છે એવો ભેદ કરીએ એય વ્યવહાર છે. આ તો કેવળીનો મારગ બાપા! બહુ સૂક્ષ્મ ભાઈ! (એમ કે ઉપયોગને સૂક્ષ્મ કર્યા વિના નહિ સમજાય). ભાઈ! ચૈતન્યરતન.... અહાહા......! ચૈતન્યરતન અંદર છે તે તારી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી એ પરનું જાણવું-દેખવું એય તને નથી (એમ કે એવો વ્યવહાર પણ કરી શકાતો નથી). અહાહા....! આવો મારગ ઝીણો!
ભાઈ! રાગનો કર્તા થાય એ તો મિથ્યાદ્રષ્ટિ છે. બાકી દયા, દાન, ભક્તિ આદિના રાગને જ્ઞાન કરે એમ નહિ. ભોગવે એમ પણ નહિ. અરે, રાગને જ્ઞાન જાણે છે એમ કહેવું એય, કહે છે, વ્યવહાર છે. જુઓ, છે ને અંદર? છે કે નહિ? કે-આત્માને નિશ્ચયથી પરનો જ્ઞાયક કહી શકાતો નથી, પરનો દર્શક કહી શકાતો નથી, પરનો ત્યાગ કરનાર કહી શકાતો નથી. કેમ? કેમકે જ્ઞાનસ્વભાવ જ્ઞેયમાં પ્રવેશતો નથી અને જ્ઞેય છે તે જ્ઞાનમાં પ્રવેશતા નથી, ભિન્ન ભિન્ન જ રહે છે. અહા! પરદ્રવ્યની પર્યાયને જ્ઞાન અડતું સુદ્ધાં નથી.
અરે, લોકો તો કોઈ દયા, દાન, વ્રત આદિના પરિણામથી-વ્યવહારથી નિશ્ચય થાય એમ માને છે. અહા! તારે ક્યાં લઈ જવું છે પ્રભુ! શું રાગથી વીતરાગતા થાય? ન થાય હોં. તું જો તો ખરો પ્રભુ! કે તારી મોજુદગીમાં-અસ્તિત્વમાં અંદર એક જ્ઞાનદર્શનસ્વભાવવાળું ચૈતન્યતત્ત્વ પડયું છે અને જાણવા-દેખવાના તેના પોતાના પરિણામ છે. અહા! તેના જાણવાના-દેખવાના પરિણામ થાય તે પોતાના પોતાથી થાય છે. રાગાદિ પરદ્રવ્ય તો તેને અડતુંય નથી ત્યાં એનાથી થાય એ ક્યાં રહ્યું? અહા! પોતે પોતાને જાણે એવો સ્વસ્વામીઅંશરૂપ વ્યવહાર પણ કાંઈ (કાર્યકારી) નથી તો રાગથી-વ્યવહારના રાગથી નિશ્ચય થાય એમ માનવું એ તો મહા વિપરીતતા છે. સમજાણું કાંઈ...?
અહા! જેમ ચક્રવર્તી છ ખંડને સાધે તેમ ચૈતન્યચક્રવર્તી પ્રભુ જ્ઞાયક છ દ્રવ્યને સાધે-જાણે-એમ કહેવું એ વ્યવહાર છે. આવી જન્મ-મરણ રહિત થવાની દ્રષ્ટિ કોઈ અલૌકિક છે. અરે! અત્યારે તો લોકોએ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બહુ ચૂંથી નાખ્યું છે. એમ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ તે સમકિત અને વ્રત-તપની રાગની ક્રિયા તે ચારિત્ર- એમ લોકો માનવા લાગ્યા છે. પણ ભાઈ! એવું વસ્તુનું કે ધર્મનું સ્વરૂપ નથી. વસ્તુ તો સદા વીતરાગસ્વભાવી છે ને તેની જાણવા-દેખવારૂપ વીતરાગ પરિણતિ થાય તે ધર્મ છે.