૩૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
‘ત્યાં નિશ્ચયનયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો, દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકાતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી.’
જોયું? કહે છે-નિશ્ચયથી એટલે સત્યાર્થદ્રષ્ટિથી જોઈએ તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક કહી શકાતો નથી, દર્શક કહી શકાતો નથી. અહાહા....! આત્મા શરીરાદિ પરદ્રવ્યની ક્રિયાનો કર્તા ને કુંટુંબ આદિ પરના પાલનની ક્રિયાનો કર્તા-એ વાત તો દૂર રહો, અહીં કહે છે, પરનું જાણવું એ પણ નિશ્ચયથી આત્માને નથી. અહા! ચૈતન્યસ્વભાવી પ્રભુ પોતે પોતામાં રહીને પોતાને જાણે છે; ત્યાં એવો ભાવ-ભાવકનો ભેદ કરવામાં આવે તેય વ્યવહાર છે. આવી ઝીણી વાત! અરે! એણે સાચી તત્ત્વદ્રષ્ટિ અનંતકાળમાં કદી કરી નથી; એકલાં પુણ્ય-પાપ કરે કર્યાં, પણ એ તો સંસારમાં રૂલવાની ચીજ બાપા!
જુઓને આ શું કહે છે? કે પરદ્રવ્યને અને આત્મને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. અહાહા.....! ભગવાન! તું કોણ છો? સ્વયં સ્વતઃ જાણવા-દેખવાપણે પરિણમે એવી ચૈતન્યમાત્ર વસ્તુ છો ને પ્રભુ! તારે પરદ્રવ્ય સાથે શું સંબંધ છે? અહાહા...! સ્વતંત્ર સત્ એવું પરદ્રવ્ય પોતે પોતાની પર્યાયથી પરિણમે છે અને તું તારી (જાણવા-દેખવારૂપ) અવસ્થાથી પરિણમે છે. પરદ્રવ્ય સદાય તારાથી બહાર જ છે, કેમકે એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં કદી પ્રવેશ કરતી નથી. માટે નિશ્ચયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક કહી શકાતો નથી. ગજબ વાત છે ભાઈ! જ્ઞાન પરદ્રવ્યને જાણે, શરીરને જાણે, રાગને જાણે-એમ કહીએ એ વ્યવહારથી છે, વાસ્તવમાં તો જ્ઞાન પોતે પોતામાં રહીને પોતાને (પોતાના પરિણામને) જાણે છે. હવે આવું છે ત્યાં આત્મા પરની દયા કરે ને દાન કરે એ ક્યાં રહ્યું?
તો પરની દયા પાળવી કે નહિ? પરની દયા કોણ પાળે પ્રભુ? પરની દયા તું પાળી શકતો નથી. અરે, દયાનો જે ભાવ આવે તેનેય તું કરી શકતો નથી. (એ તો એના કાળે આવે છે બસ). અહીં કહે છે-દયાનો જે ભાવ આવ્યો તેને તું જાણે છે એમ કહીએ એય વ્યવહાર છે. વાસ્તવમાં તો પરસંબંધી જ્ઞાનની પર્યાય સ્વયં પોતાથી થઈ છે, તે, પરજ્ઞેય છે માટે જાણે છે એમ ક્યાં છે? એમ છે નહિ. આવો માર્ગ, લ્યો!
ભાઈ! જરા ધીરો થઈને સાંભળ! તારી ચીજ આનંદકંદ પ્રભુ અંદર એક જ્ઞાયકભાવથી ભરી પડી છે. અહાહા.....! જેમ પાણીમાં શીતળતા ભરી પડી છે તેમ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એક જ્ઞાયકભાવથી ભર્યો પડયો છે; અને જાણવું, દેખવું,