સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૮પ લ્યો, રાગના અભાવસ્વભાવરૂપ પોતે આત્મા છે, તેની રમણતા થતાં રાગ ઉત્પન્ન જ ન થયો તો રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે; તે કથન માત્ર જ છે.
એ રીતે આ, આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર છે. એ જ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર સમજવા.
‘શુદ્ધનયથી આત્માનો એક ચેતનામાત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે.’
અહાહા...! શું કહે છે? કે આ આત્મા જે છે તે શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છે. જેમાં જાણવું-દેખવું થાય એવી ચેતના તે એનો સ્વભાવ છે; કોઈનું કરવું કે કોઈથી પોતાનું કરાવું એવો એનો સ્વભાવ નથી. અહા! આવા નિજ આત્માની અંતર્દ્રષ્ટિ કરી સ્વાનુભવ પ્રગટ કરતો નથી ત્યાં સુધી જીવ ચારગતિ ચોરાસી લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે અને પરાધીન થઈ દુઃખી દુઃખી થાય છે.
અહા! શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ ભગવાન આત્મા છે, અને જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવર્તવું ઇત્યાદિ તેના પરિણામ છે. પરિણામ એટલે શું? આ છોકરાંનાં પરીક્ષાનાં પરિણામ આવે તે આ પરિણામ નહિ. આ તો ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય સામાન્ય તે દ્રવ્ય છે, ને જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ એની શક્તિઓ છે. તે શક્તિઓના પરિણમનરૂપ પ્રતિસમય જે જાણવા-દેખવા-શ્રદ્ધવારૂપ પર્યાય થાય તે પરિણામ છે; પુણ્ય-પાપ આદિ વિભાવથી નિવર્તવારૂપ જે પર્યાય થાય તે પરિણામ છે. આવી વાત! સમજાણું કાંઈ...?
અહા! અનંતકાળમાં એણે આવા જ્ઞાન-શ્રદ્ધાન ને પુણ્ય-પાપથી નિવર્તવારૂપ પરિણામ તો કર્યા નહિ, માત્ર પુણ્ય-પાપના ભાવ કરી કરીને સ્વર્ગ-નરકાદિમાં અનંતા ભવ કરી કરીને રઝળી મર્યો છે. અરે! કઈક વાર તે મોટો માંડલિક રાજા થયો, મોટો દેવ પણ થયો, પરંતુ સ્વસ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન વિના તે આકુળતાની ભટ્ઠીમાં શેકાઈ ગયો. દેખવું, જાણવું, શ્રદ્ધવું ને પુણ્ય-પાપથી નિવર્તવું-એ એના વાસ્તવિક પરિણામ છે, પણ અરે! સ્વરૂપની દ્રષ્ટિ વિના રાગદ્વેષના દાવાનલમાં ચિરકાળથી એની શાંતિ બળી ગઈ! એ મહાદુઃખી થયો.
જુઓ, કહે છે-શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ આત્મા છે અને જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવર્તવું ઇત્યાદિ એના પરિણામ છે. હવે કહે છે-