૩૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
પોતપોતાના સ્વભાવે પરિણમતા થકાં પરસ્પર નિમિત્ત થાય છે; પરસ્પર નિમિત્ત થાય છે એટલે કે પરસ્પર અનુકૂળ રહે છે બસ એટલું, કોઈ કોઈનું કાંઈ કરી દે છે એમ નહિ, કેમકે પોતાનું પરિણામ તો દ્રવ્ય પોતે જ પોતાથી કરે છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. નિમિત્ત-બીજી ચીજ-છે એને ન માને તો વેદાંત જેવું થઈ જાય. વેદાન્ત સર્વવ્યાપક એક આત્માને જ માને છે, બીજી ચીજ માનતો નથી, પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. બીજી ચીજ છે. તેઓ પરસ્પર અનુકૂળ-નિમિત્ત છે, પણ તેઓ એકબીજાનું કાંઈ કરી દે છે એમ નથી. જુઓ, જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે તો પુદ્ગલાદિ ને રાગાદિ પર બીજી ચીજ છે તેને જ્ઞાન જાણે છે, ત્યા જે જાણવું થાય તેમાં તે તે બીજી ચીજ નિમિત્ત છે, પણ નિમિત્તના કારણે કાંઈ જાણપણું થયું છે એમ નથી. (ભાઈ! નિમિત્તાદિ બીજી ચીજ છે તેને ન માને તે પોતાને-જ્ઞાન-સ્વભાવી આત્માને જ માનતો નથી).
અહીં કહે છે- પરમ વીતરાગસ્વભાવી પ્રભુ આત્માનાં દ્રષ્ટિ-જ્ઞાન ને રમણતારૂપ જે શુદ્ધ રત્નત્રય પ્રગટ થયાં તેને વ્યવહારરત્નત્રયનો વિકલ્પ નિમિત્ત છે; તેમ તે રાગના પરિણામ થાય તેમાં આત્માના પરિણામ નિમિત્ત છે. અહા! અરસપરસ નિમિત્ત છે; ચારિત્રગુણના કારણે રાગ નહિ ને રાગને કારણે ચારિત્ર નહિ. બન્ને ભિન્ન ભિન્ન પદાર્થ છે ને! અહો! આ તો અદ્ભુત અલૌકિક વાત છે! કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે, ને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે; તથાપિ લોકાલોકને કારણે કેવળજ્ઞાન થયું છે એમ નથી, ને કેવળજ્ઞાનને કારણે લોકાલોક છે એમ પણ નથી.
આ ચોખા પાકે-ચઢે છે ને? તેમાં ઉનું પાણી નિમિત્ત છે, પણ નિમિત્તથી ચોખા પાકે છે એમ નથી, ચોખા પોતાની પર્યાયથી પાકે છે; પાણી તો નિમિત્તમાત્ર છે. તેમ પાણી પણ પોતાની અવસ્થારૂપ થયું છે, તેમાં ચોખા નિમિત્તમાત્ર છે. તેવી રીતે નિર્મળ નિરાગ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનો અનુભવ થતાં તે અનુભવમાં રાગ નિમિત્ત હો, પણ રાગથી અનુભવ થયો છે એમ નથી, તથા આનંદનો જે અનુભવ થયો તે રાગને નિમિત્ત છે, પણ અનુભવના કારણે રાગ થયો છે એમ નથી. આવી વાત! વિશેષ કહે છે -
આત્મા ચેતયિતા પ્રભુ, પોતાના (-પુદ્ગલાદિના) સ્વભાવ વડે ઉપજતા પુદ્ગલાદિ દ્રવ્યને પોતાના (અર્થાત્ ચેતયિતાના) સ્વભાવથી અપોહે છે અર્થાત્ ત્યાગે છે -એમ વ્યવહાર કરવામાં આવે છે. રાગનો ત્યાગ કરે છે એમ કહીએ તે વ્યવહાર છે.