સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૮૩ થતો નથી અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે પરિણમાવતો નથી. અહાહા....! ત્રિકાળ રાગના અભાવસ્વભાવરૂપ એવો ભગવાન આત્મા પોતે રાગના સ્વભાવે થતો નથી અને રાગને પોતાના સ્વભાવરૂપે પરિણમાવતો નથી. આ પ્રમાણે રાગ ભગવાન આત્માથી અત્યંત ભિન્ન છે, એમાં ચૈતન્યનો સદાય અભાવ છે. જેમ સૂર્યનાં કિરણ સફેદ ઉજ્જ્વળ હોય, કાળાં-અંધારિયાં ન હોય તેમ ભગવાન આત્માનાં જ્ઞાનકિરણ ઉજ્જ્વળ ચૈતન્યમય હોય પણ રાગના અંધકારમય ન હોય. અરે લોકોને ખબર નથી, પણ આત્મા સદાય જ્ઞાન-દર્શન અને વીતરાગતાના સ્વભાવથી ભરેલો ભગવાન છે. અહા! આવો તે પોતે રાગરૂપે કેમ થાય? અને તે રાગને પોતારૂપ-ચૈતન્યરૂપ કેમ કરીને કરે? સ્તવનમાં આવે છે ને કે-
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ.
ભગવાન! આપ તો જાણગસ્વભાવ છો; આપ સર્વ જગતને દેખો છો; આ તો ઉપચારથી કહ્યું હોં; બાકી તો સર્વ જીવ નિજ સત્તાથી તો શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવ છે. અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો દરિયો છે. તેને કોઈ રાગવાળો, પુણ્યવાળો કે અલ્પજ્ઞ માને એ તો તેને આળ દેવા બરાબર છે. શું કીધું? નિજ જ્ઞાયકસ્વભાવનો ઈન્કાર કરીને તેને રાગવાળો ને પુણ્યવાળો ને અલ્પજ્ઞ માને એ તો એને કલંક લગાડી દીધું. અહા! આવા જીવો મરીને જ્યાં કોઈ તેમને (આ જીવ છે એમ) સ્વીકારે નહિ એવા નિગોદના સ્થાનમાં ચાલ્યા જશે. ભાઈ! અનંત શક્તિનો પિંડ પ્રભુ પોતે પૂરણ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ તેને રાગવાળો ને પુણ્યવાળો માનવો તે મહા અપરાધ છે અને તેની સજા નરક-નિગોદ છે. “કાકડીના ચોરને ફાંસીની સજા”-એમ વાત નથી આ; હું રાગવાળો ને પૈસાવાળો-એમ માનીને નિજ ચિદાનંદસ્વરૂપનો ઈન્કાર કરે અનાદર કરે તે મહા અપરાધ છે, અને એનું ફળ નિગોદવાસની અનંતકાળની જેલ છે. સમજાણું કાંઈ....?
અહાહા...! જ્ઞાનદર્શનસ્વભાવી ભગવાન આત્મા સદાય વીતરાગસ્વભાવથી પરિપૂર્ણ પ્રભુ છે. તેની દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા થઈ તેને બહારમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ સહચરપણે હોય છે, તેને નિમિત્ત કહેવામાં આવે છે. નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય તેમાં વ્યવહારરત્નત્રય નિમિત્ત છે. નિમિત્ત છે એટલે તે નિર્મળ રત્નત્રયની પર્યાય કાંઈ નિમિત્તથી થઈ છે એમ અર્થ નથી. નિમિત્ત એક બીજી ચીજ છે બસ એટલું; બાકી નિમિત્ત કાંઈ જીવની પર્યાયને કરે છે એમ નથી. દ્રષ્ટિ, જ્ઞાન ને સ્વસ્વરૂપની રમણતા થઈ એ તો સ્વસ્વરૂપના આશ્રયે પોતાથી જ થઈ છે, એમાં નિમિત્તનું કાંઈ કામ નથી. આવી વાત!