સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૮૯ આવડું મોટું નામ (પ્રસિદ્ધિ) અને ચર્ચા ન કરો તો.... .... , ત્યારે કહ્યું-અમારે નામથી કાંઈ કામ નથી, અમે જે છીએ તે છીએ. ચર્ચા શું કરવી? અહાહા...! રાગના અભાવસ્વભાવી સદાય વીતરાગસ્વરૂપી ભગવાન! તારી ચીજ અંદર છે તેને પરનું જાણવું ને પરનો ત્યાગ કરવો પરમાર્થે લાગુ પડતું નથી. હવે આવી વાત એ બહારના ત્યાગમાં રાચનારાઓને કેમ સમજાય?
શરીર જુવાન હોય ને ફાટુફાટુ થઈ રહ્યું હોય એમાં વિવાદ-ઝઘડા કરવાનું મન થાય, પણ આ (-શરીર) તો જડ ભાઈ! માટી-ધૂળ બાપુ! એ જુવાની તારી ક્યાંય ચાલી જશે. શરીરની જુવાન અને વૃદ્ધ અવસ્થા એ જડની અવસ્થા જડ-ધૂળ છે. અહીં કહે છે-તેને આત્મા જાણે -એમ કહીએ એ અસદ્ભૂત વ્યવહાર છે. અહાહા....! જ્ઞાન પોતે પોતાને જાણે એમ કહેવું એ સદ્ભૂત વ્યવહાર છે, ને જ્ઞાન પરને જાણે એમ કહીએ તે અસદ્ભૂત વ્યવહાર છે. એ સદ્ભૂત-અસદ્ભૂત વ્યવહાર અભૂતાર્થ છે. ૧૧ મી ગાથામાં આવી ગયું ને કે-વ્યવહાર અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, એટલે કે વ્યવહાર કરવાયોગ્ય નથી. અહા! આ સમયસાર કેટલું ગંભીર છે! એનું એક એક પદ અપાર ગંભીર રહસ્યથી ભરેલું છે.
અહાહા...! જાણવું-દેખવું-શ્રદ્ધવું-એ ભાવો પોતાના અસ્તિત્વમાં છે તેથી આત્મા પોતે જ છે. પણ ત્યાં આત્મા પોતે પોતાને જાણે, પોતે પોતાને દેખે, પોતે પોતાને શ્રદ્ધે- ઇત્યાદિ કહીએ તે ભેદકથન હોવાથી વ્યવહાર છે. કળશટીકામાં આવી ગયું છે કે-આત્મા પોતાના નિર્મળ પરિણામને કરે એમ કહેવું એ પણ ઉપચાર છે. હવે ત્યાં દયા, દાન આદિ વ્યવહારના વિકલ્પની તો શું કથા? એનું કર્તાપણું તો પ્રગટ અજ્ઞાન જ છે. છ કાયની દયાના વિકલ્પનો કર્તા થાય એ તો અજ્ઞાન છે ભાઈ! હવે આવી વાત કોને બેસે? વાડાવાળા-સંપ્રદાયવાળાઓને કેમ બેસે? પણ ભાઈ! જીવન હાલ્યું (વેડફાઈ) જાય છે હોં.
રાત્રે કહ્યું ‘તું કે-નોકરી કરે એ તો પંચાવન વર્ષે નિવૃત્ત થાય, પણ આ વેપારી શેઠિયા તો બધા સાઈઠ-સિત્તેર-એંસી થાય તોય નિવૃત્તિ ન લે, નિવૃત્ત ન થાય. એમનું શું થાય?
હા, પણ એમને જવાબદારી હોય ને?
જવાબદારી? શેની જવાબદારી? પોતાને જાણવું-દેખવું એ જવાબદારી છે. આ સિવાય પરમાં જવાબદારી માને એ બધા મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, સંસારમાં રખડી મરનારા છે. સમજાણું કાંઈ....! કેમકે પરદ્રવ્ય સાથે આત્માને પરમાર્થે કોઈ સંબંધ નથી.