૩૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
જુઓને, આચાર્ય ભગવાને ચાર હજાર શ્લોકપ્રમાણ આત્મખ્યાતિ નામની ટીકા લખી. કેવી અદ્ભુત! ! મણિરતનથી ભરો તોય એની કિંમત શેં થાય? અહાહા...! એની શું કિંમત! એ ટીકા કરીને કહે છે-પ્રભુ! આ ટીકા મેં કરી છે એમ મત માનો, આમાં મારું કાંઈ કર્તવ્ય નથી, હું તો સ્વરૂપગુપ્ત છું. ને આ ટીકા તો શબ્દોથી થઈ છે, શબ્દોએ રચી છે. લ્યો, આવી વાત! આચાર્ય કહે છે-મેં (અમૃતચંદ્રે) આ શબ્દોની ક્રિયા કરી છે એમ ન માનવું. વળી હું જણાવવાવાળો ને તું જાણવાવાળો એમ પણ ન માનવું. અહાહા....! જાણવાવાળો પણ તું ને તારા જાણવાવાળાનો કર્તા પણ તું; જાણવાવાળો પણ પોતે, ને જણાવવાવાળો પણ પોતે. આવી વાત! સમજાણું કાંઈ...!
પ્રવચનસારની ટીકામાં પણ આચાર્યદેવ છેલ્લે કહે છે-“ ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણમાવી શકતો નથી, તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં જ્ઞેયપણે-પ્રમેયપણે પરિણમે છે, શબ્દો તેમને જ્ઞેય બનાવી સમજાવી શકતા નથી. માટે, આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યેય છે; વાણીની ગૂંથણી તે વ્યાખ્યા છે અને અમૃતચંદ્રસૂરિ વ્યાખ્યાતા છે. -એમ મોહથી જનો ન નાચો (-ન ફુલાઓ). પરંતુ સ્યાદ્વાદવિદ્યાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને આજે અવ્યાકુળપણે નાચો (-પરમાનંદપણે પરિણમો).”
અહાહા...! કહે છે-આનંદનો સાગર શુદ્ધ ચૈતન્યનિધિ પોતે છે તેને વિશુદ્ધ જ્ઞાનની કળા વડે પ્રાપ્ત કરીને આજે જ નિરાકુળ આનંદપણે પરિણમો; એમ કે હમણાં નહિ એમ વાયદા મા કરો. હમણાં નહિ, હમણાં નહિ, દીકરા-દીકરીયું ઠેકાણે પડી જાય પછી વૃદ્ધાવસ્થામાં જોશું એમ વિચારે એ તો તારું અજ્ઞાન ને પાગલપણું છે ભાઈ! કેમકે બીજાનું તું શું કરી શકે? વાસ્તવમાં પરદ્રવ્ય સાથે તારે કાંઈ સંબંધ નથી. તું વાયદા કરે છે પણ બાપુ! દેહ તો જોતજોતામાં છૂટી જશે અને મરીને તું ક્યાંય ચાલ્યો જઈશ, ભવસમુદ્રમાં ખોવાઈ જઈશ. આવી વાતુ છે ભગવાન! ધંધા આડે, પરનાં કામ આડે હમણાં તું નવરો ન થાય પણ સ્વસ્વરૂપની સમજણ વિના તું દેહ છોડવાના કાળે ભારે મુંઝાઈ જઈશ પ્રભુ! અરે! અજ્ઞાની જીવો રાગની એકતાની ભીંસમાં ને દેહની વેદનાની ભીંસમાં દેહ છોડીને ક્યાંય દુર્ગતિમાં-તિર્યંચાદિમાં ચાલ્યા જાય છે. જ્યારે ધર્મી જીવને તો દેહ છૂટવાના કાળે પણ નિરાકુળતા અને શાંતિ જ શાંતિ હોય છે.
જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાની હતા. તેત્રીસ વર્ષની નાની વય હતી ને ખ્યાલમાં આવી ગયું કે દેહ છૂટવાનો અવસર નજીક છે તો છેલ્લે બોલ્યા-“મનસુખ, બાને દિલગીર થવા દઈશ નહિ, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું.” અહાહા....!