Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3410 of 4199

 

સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૯૧ દેહ છૂટવાના કાળે ઉપયોગ બહારથી સમેટી લીધો ને અંતર્લીન થયા; એકદમ શાંતિ- શાંતિના અનુભવ સહિત દેહ છોડયો.

પંડિત બનારસીદાસ પણ સમકિતી જ્ઞાની હતા. તેમણે સમયસાર નાટક બનાવ્યું છે. તેમને અંતિમ સમયે દેહ છૂટતાં કાંઈક વાર લાગી. બાજુવાળાઓને થયું કે પંડિતજીનો દેહ છૂટતો નથી, જીવ કશાકમાં રોકાઈ ગયો છે. આવી ચર્ચા થઈ. પોતાને બોલાતું નહોતું તો પંડિતજીએ ઈશારો કરી સલેટ મંગાવી; પછી તેમાં લખ્યું-

જ્ઞાન કુતક્કા હાથ, મારિ અરિ મોહના;
પ્રગટયો રૂપ સ્વરૂપ, અનંત સુસોહના;
જા પરજૈકો અંત, સત્ય કરિ માનના;
ચલે બનારસીદાસ, ફેર નહિ આવના.

પછી આત્મજ્ઞાનપૂર્વક સમાધિ સહિત દેહ છોડયો. હવે લોકોને જ્ઞાનીના અંતર- પરિણામની ધારા સમજવી કઠણ પડે ને બહારમાં શરીરની ક્રિયાથી માપ કાઢે. દેહ છૂટતાં વાર લાગે એ તો દેહની જડની ક્રિયા ભગવાન! જ્ઞાનીને તો અંદરમાં શાંતિ ને સમાધિ હોય છે.

અહીં કહે છે - ‘નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.’

‘હવે વ્યવહારનય વિષેઃ વ્યવહારનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધાન કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિમિત્ત- નૈમિત્તિક ભાવ છે. જ્ઞાનાદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારી જનો કહે છે કે -આત્મા પરદ્રવ્યને જાણે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે.’ હવે કહે છે-

‘એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારના પ્રકારને જાણી યથાવત્ (જેમ કહ્યું છે તેમ) શ્રદ્ધાન કરવું.’

અહાહા....! જ્ઞાન આદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનયે-અભૂતાર્થનયે એમ કહ્યું કે આત્મા પરદ્રવ્યનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે આદિ; નિશ્ચયથી એવું વસ્તુસ્વરૂપ નથી એમ જેમ કહ્યું છે તેમ શ્રદ્ધાન કરવું. સમજાણું કાંઈ....? હવે લોકો આવું સમજવા રોકાય નહિ ને બહારમાં ઉપવાસ આદિ ક્રિયાકાંડમાં ચઢી જાય પણ એથી શું? એથી કાંઈ લાભ ન થાય.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-