સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૯૩ વસ્તુ નથી. આ તો વીતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરે જે કહ્યો તે શુદ્ધ એક સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પોતે, તેની જેને અંતર્દ્રષ્ટિ થઈ તે સમકિતી પુરુષને પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં બીજી ચીજ પ્રવેશી ગઈ હોય એમ ભાસતું નથી. જગતમાં બીજી ચીજ નથી એમ નહિ, પોતાની ચીજમાં બીજી ચીજ રહેલી હોય એમ ભાસતું નથી એમ વાત છે. સમજાય છે કાંઈ....?
કોઈને થાય કે શું આવો ધર્મ? હા બાપુ! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરે ઢંઢેરો પીટીને આ કહ્યું છે કે-એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો સદાય અભાવ છે. પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં પુદ્ગલાદિ અન્યદ્રવ્યોનો અભાવ છે. સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર પણ તારા દ્રવ્યમાં નથી; તેઓ તેમના દ્રવ્યમાં રહેલા છે. આ જિનમંદિર ને આ પ્રતિમા સૌ પોતપોતાના દ્રવ્યમાં રહેલાં છે, કોઈ કોઈનામાં પ્રવેશતાં નથી એવો વસ્તુસ્વભાવ છે. પુણ્ય-પાપના ભાવ તે પણ વિભાવ છે, પુદ્ગલસ્વભાવ છે; તેય તારા શુદ્ધ અંતઃતત્ત્વમાં રહેલા નથી. અહા! આવા શુદ્ધ અંતઃતત્ત્વને - ચૈતન્યતત્ત્વને અનુભવનારા સમકિતી પુરુષોને એક દ્રવ્યમાં (નિજદ્રવ્યમાં) અન્ય દ્રવ્ય રહેલું કદીય ભાસતું નથી. અહાહા....! અનંતા સિદ્ધો, પંચપરમેષ્ઠી ભગવંતો ને અનંતા અન્યદ્રવ્યો સહિત આખા વિશ્વનો પોતાની ચીજમાં સદાય અભાવ છે એમ જ્ઞાનીને ભાસે છે અને આ ધર્મ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-
‘यत् तु ज्ञानं ज्ञेयं अवैति तत् अयं शुद्ध–स्वभाव–उदयः’ જ્ઞાન જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે.
શું કીધું આ? કે શરીર, મન, વાણી, પંચપરમેષ્ઠી ભગવંતો ને પુણ્ય-પાપના ભાવ ઇત્યાદિ જે પરજ્ઞેય છે તેને જ્ઞાન જાણે છે તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. જ્ઞાનનો તો સ્વપરપ્રકાશક સ્વભાવ છે, અને તે સ્વપરપ્રકાશકપણું પર્યાયમાં પ્રગટ થયું હોવાથી જ્ઞાન જ્ઞેયોને જાણે છે; પણ ત્યાં જ્ઞાન જ્ઞેયોથી થયું છે એમ નથી. જ્ઞેયોને પ્રકાશતી પોતાની જ્ઞાનની દશા પ્રગટ થઈ તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે અર્થાત્ તે જ્ઞાનના સ્વભાવ- સામર્થ્યથી પ્રગટ થઈ છે. આવી વાત! સમજાણું કાંઈ....?
આ દયા, દાન, વ્રત ઇત્યાદિ જે વિકલ્પ ઉઠે છે તે ખરેખર પરજ્ઞેય છે. જ્ઞાન તે પરજ્ઞેયને જાણે છે છતાં જ્ઞેય કાંઈ જ્ઞાનમાં આવતું નથી, ને જ્ઞાન જ્ઞેયમાં પણ જતું નથી. ખરેખર તો જ્ઞાન જ્ઞેયને અડતું પણ નથી, જ્ઞાન ને જ્ઞેય ભિન્ન ભિન્ન જ રહે છે.
કોઈને થાય કે આમાં ધર્મ શું આવ્યો? હા ભાઈ! જરા ધીરજથી સાંભળ તો ખરો. આત્મા પરનું કાંઈ કરી શકે છે એ તો છે નહિ, પરદ્રવ્યને આત્મા જાણે છે તે પણ પરદ્રવ્યના કારણે જાણે છે એમ નથી. જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે