૩૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ તો જ્ઞાન પોતામાં રહીને, પરનો સ્પર્શ કર્યા વિના જ, પરને જાણે છે. અહા! જ્ઞાનીને પોતાની ચીજમાં બીજી ચીજ આવી છે એમ ભાસતું નથી. બીજી ચીજનું જાણપણું હોય ત્યારે પણ હું જ્ઞાન જ છું એમ જ્ઞાનીને ભાસે છે.
અરે! સ્વસ્વરૂપને યથાર્થ ઓળખ્યા વિના મિથ્યાભાવને લઈને ચારગતિમાં જીવ અનંત અનંત દુઃખ ભોગવી રહ્યો છે. પરની ક્રિયા હું કરી શકું ને પુણ્ય-પાપના ભાવમાં મને ઠીક છે. પુણ્ય ભાવ ભલો છે ઇત્યાદિ માનવું તે મહા મિથ્યાભાવ છે. અહીં કહે છે- જેને મિથ્યાભાવનો નાશ થઈને શુદ્ધ જ્ઞાનાનંદમય પોતાની ચીજનું ભાન થયું છે તેને વ્યવહારરત્નત્રયના વિકલ્પ પણ, તે જાણવા કાળે, મારાપણે છે, મારામાં રહેલા છે ને ભલા છે એમ ભાસતું નથી. અહાહા....! શુદ્ધ નિરંજન જ્ઞાનમય નિરપેક્ષ આનંદકંદ પ્રભુ પોતે છે એની જેને દ્રષ્ટિ અને અનુભવ થયાં તેને કહે છે, કોઈ પરદ્રવ્ય-પરભાવ પોતામાં રહેલા છે એમ ભાસતું નથી. પરદ્રવ્યનું એને જ્ઞાન થયું તે, તે તે પરજ્ઞેયને લઈને થયું છે એમ ભાસતું નથી, કેમકે જ્ઞાન જે જ્ઞેયોને જાણે છે તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. અહા! આવી તત્ત્વદ્રષ્ટિ થવી મહા દુર્લભ ચીજ છે.
અહીં કહે છે-જ્ઞાન જ્ઞેયને જાણે એ તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. રાગને જ્ઞાન જાણે ત્યાં રાગના કારણે જ્ઞાન થયું છે એમ ક્યાં છે? એમ છે નહિ. અરે! અનંતકાળમાં એણે નિજ ઘરની વાત સાંભળી નથી. તારા ઘરની વાત એકવાર સાંભળ તો ખરો નાથ! અહીં કહે છે-જ્ઞેયને-રાગને જ્ઞાન જાણે એ શુદ્ધ જ્ઞાન-સ્વભાવનું પ્રગટપણું છે, એમાં જ્ઞેયનું-રાગનું શું છે? ખરેખર તો જ્ઞેયને-રાગને જ્ઞાન જાણે છે એમ નહિ, નિશ્ચયથી તો પોતે પોતાને જ (પોતાની જ્ઞાન પર્યાયને જ) જાણે છે. અહા! આવી ગંભીર ચીજ પોતાની અંદર પડી છે.
ઓહો! અનંતગુણરત્નાકર ચૈતન્યચમત્કાર પ્રભુ પોતે છે. અહાહા...! અનંત અનંત જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતાનો ભંડાર અંદર ભર્યો છે. અહા! આવી પોતાની પ્રભુતાનો મહિમા જેણે પર્યાયમાં અનુભવ્યો તે એમ જાણે છે કે કોઈપણ પરજ્ઞેય મારી ચીજમાં છે નહિ. જાણવામાં આવતો વ્યવહારરત્નત્રયનો રાગ પણ મારી ચીજમાં છે નહિ. આવી વાત!
હા, પણ જ્ઞાની તે રાગને જાણે તો છે ને? હા, જાણે છે; પણ જાણે છે એટલે શું? એટલે એ જ કે એ પોતાના જ્ઞાન- સ્વભાવના સામર્થ્યની પ્રગટતા છે, એમાં રાગ કાંઈ (સંબંધી) નથી. રાગના કારણે જ્ઞાન થયું છે એમ નથી. ભાઈ! આ તો વસ્તુસ્વરૂપ આવું છે. સમજાણું કાંઈ....?