સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૪૦૩ રાગને, સંયોગને જાણે છે, પણ જ્ઞાન તે-રૂપે થતું નથી, વળી જ્ઞાનમાં જ્ઞેયોનો પ્રવેશ નથી, અર્થાત્ જ્ઞેયો જ્ઞાનરૂપે થતા નથી. અહીં દ્રષ્ટિપ્રધાન વાત છે. બાકી જ્ઞાનીને જે કિંચિત્ રાગદ્વેષના વિકલ્પ થાય છે એટલું વેદન પણ છે, પણ એ વાત અહીં નથી. સમજાણું કાંઈ....?
ઉત્પન્ન થાય છે) ‘यावत् एतत् ज्ञानम् ज्ञानम् न भवति’ કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય ‘पुनः बोध्यम् बोध्यताम् न याति’ અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે.
અહાહા....! શું કહે છે? કે ત્યાં સુધી રાગ-દ્વેષની પરંપરા ઊભી રહે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય અર્થાત્ જ્ઞાન સમ્યગ્જ્ઞાન ન થાય. ઝીણી વાત છે પ્રભુ! આત્મા જાણગસ્વભાવી પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ સર્વજ્ઞસ્વરૂપ વસ્તુ છે. અહા! આવા નિજસ્વરૂપની જેને અંતર્દ્રષ્ટિ થઈ તે સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને, કહે છે, રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી; કેમકે જ્ઞાનરસથી ભરેલી પોતાની વસ્તુમાં રાગદ્વેષ નથી.
ધર્માત્માને કમજોરીવશ કિંચિત્ રાગાદિ ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રગટ જ્ઞાન- સમ્યગ્જ્ઞાન તેની સાથે એકમેક થતું નથી. જ્ઞાન તેને બીજી ચીજ છે, પરજ્ઞેય છે એમ જાણે જ છે બસ; અર્થાત્ જ્ઞાન રાગરૂપ થતું નથી ને રાગ જ્ઞાનમાં પ્રવેશ પામતો નથી. આવી વાત છે. સમજાણું કાંઈ....!
અહાહા....! કહે છે-ત્યાં સુધી રાગદ્વેષનું દ્વંદ્વ ઉદય પામે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપે ન રહે અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે. અહા! જ્ઞાન જ્ઞાનસ્વભાવે પરિણમવાને બદલે, આ શરીરાદિ પદાર્થો મારા છે, શુભાશુભભાવો મને લાભદાયી છે એમ અજ્ઞાનભાવે પરિણમે ત્યાં સુધી રાગદ્વેષની પરંપરા ચાલુ જ રહે છે. ભાઈ! શરીરાદિ પદાર્થો ને શુભાશુભભાવો તે જ્ઞેય છે, પરજ્ઞેય છે; તે તારાં કેમ થઈ જાય? એને તું જ્ઞેયપણે ન માનતાં અન્યથા માને તે અજ્ઞાનભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે ત્યાં સુધી રાગદ્વેષનું દ્વંદ્વ ઉત્પન્ન થયા જ કરે છે. પરંતુ જ્યાં જ્ઞાન જ્ઞાનસ્વભાવે થયું કે જ્ઞેયો જ્ઞેયપણે તેમાં પ્રતિભાસ્યા અને ત્યારે રાગદ્વેષની ઉત્પત્તિ અટકી ગઈ. અહાહા....! સમ્યગ્દ્રષ્ટિ ધર્મી પુરુષને સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું છે; તેનું જ્ઞાન જ્ઞાનરૂપ થયું છે, તેથી મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ તેને ઉત્પન્ન થતા નથી; તેને હવે દીર્ઘ સંસાર રહ્યો નથી. આવું! સમજાણું કાંઈ....?