Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3424 of 4199

 

સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૪૦પ અર્થાત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત થાય છે. અહો! ધર્મી પુરુષની આવી અચિંત્ય અલૌકિક ભાવના હોય છે.

હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ક્યાં રહી પ્રભુ? અહી તો વ્યવહારરત્નત્રયને પરજ્ઞેયમાં નાખી દીધાં છે. અહાહા.....! જાણનાર... જાણનાર.... જાણનાર બસ કેવળ જાણવાપણે રહેતાં કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે-એમ વાત છે.

* કળશ ૨૧૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞેય જ્ઞેયરૂપ ન થાય, ત્યાં સુધી રાગદ્વેષ ઉપજે છે; માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ પ્રાર્થના છે.’

આત્મા નિત્ય જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે; ને રાગાદિ છે તે જ્ઞાનમાં જાણવાલાયક પરજ્ઞેય છે. અહીં કહે છે-જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય ને જ્ઞેય જ્ઞેયપણે ન રહે ત્યાં સુધી રાગદ્વેષ ઉપજે છે. અહીં મિથ્યાત્વસંબંધી રાગદ્વેષની વાત છે. માટે, કહે છે, આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ. અહા! આ જ્ઞાનસ્વભાવી શાશ્વત શુદ્ધ ચિન્માત્ર વસ્તુ તે જ હું છું, રાગાદિ મારાં કાંઈ નથી એવી નિર્મળ દ્રષ્ટિ પ્રગટ થાઓ એમ કહે છે. અહાહા....! હું તો શુદ્ધ ચિન્માત્ર આત્મા છું અને આ જણાય છે તે રાગાદિ ને દેહાદિ મારાં કાંઈ નથી. એવી દ્રષ્ટિ પ્રગટ થાઓ કે જેથી જ્ઞાનમાં જે ભાવ-અભાવરૂપ બે અવસ્થાઓ (દ્વંદ્વ) થાય છે તે મટી જાય, અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય.

અહા! મારો સ્વભાવ તો ત્રિકાળ જાણવાપણે જ છે-એમ જ્ઞાન જ્ઞાનરૂપ થાય ત્યારે ધર્મી પુરુષને રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. આ રીતે રાગદ્વેષ મટી જાય અને સ્વસ્વરૂપની એકાગ્રતાની ભાવના દ્વારા જ્ઞાન પૂર્ણસ્વભાવને પ્રાપ્ત થાય -એવી ધર્મી પુરુષની ભાવના હોય છે. ધર્મી પુરુષને અસ્થિરતાનો કિંચિત્ રાગ થતો હોય છે પણ તેનો તે જ્ઞાતા જ રહે છે અને ક્રમે કરીને જ્ઞાનસ્વભાવની એકાગ્રતાના પુરુષાર્થ વડે તેનો પણ તે અભાવ કરી પૂર્ણ જ્ઞાનસ્વભાવને પ્રાપ્ત થઈ જાય છે. લ્યો, આવી વાતુ છે.

(પ્રવચન નં. ૪૦૮ થી ૪પ૯ *દિનાંક ૪-૮-૭૭ થી ૧૨-૧૦-૭૭)