૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ [सचित्ताचित्तमिश्रं वा] સચિત્ત સ્ત્રીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક-તેને એમ સમજે કે [अहं एतत्] હું આ છું, [एतत् अहम्] આ દ્રવ્ય મુજ-સ્વરૂપ છે, [अहम् एतस्य अस्मि] હું આનો છું, [एतत् मम अस्ति] આ મારું છે, [एतत् मम पूर्वेम् आसीत्] આ મારું પૂર્વે હતું, [एतस्य अहम् अपि पूर्वम् आसम्] આનો હું પણ પૂર્વે હતો, [एतत् मम पुनः भविष्यति] આ મારું ભવિષ્યમાં થશે, [अहम् अपि एतस्य भविष्यामि] હું પણ આનો ભવિષ્યમાં થઈશ, - [एतत् तु असद्भूतम्] આવો જૂઠો [आत्मविकल्पं] આત્મવિકલ્પ [करोति] કરે છે તે [सम्मूढः] મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે; [तु] અને જે પુરુષ [भूतार्थ] પરમાર્થ વસ્તુસ્વરૂપને [जानन्] જાણતો થકો [तम्] એવો જૂઠો વિકલ્પ [न करोति] નથી કરતો તે [असम्मूढः] મૂઢ નથી, જ્ઞાની છે.
ટીકાઃ– (દ્રષ્ટાંતથી સમજાવે છેઃ) જેમ કોઈ પુરુષ ઈધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે “અગ્નિ છે તે ઈંધન છે, ઈંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઈંધન છે, ઈંધનનો અગ્નિ છે; અગ્નિનું ઈંધન પહેલાં હતું, ઈંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઈંધન ભવિષ્યમાં થશે, ઈંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે”;-આવો ઈંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે, તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે કે “હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે; મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું; મારું આ પહેલાં હતું, હું આનો પહેલાં હતો; મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ”;-આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે.
વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી, -અગ્નિ છે તે અગ્નિ જ છે, ઇંધન છે તે ઇંધન જ છે; અગ્નિનું ઇંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, -અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું ઇંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, -અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, -અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું ઇંધન જ ભવિષ્યમાં થશે;”-આ પ્રમાણે જેમ કોઇને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે “હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, -હું તો હું જ છું, પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્યનો હું નથી, -મારો જ હું છું, પરદ્રવ્યનું પરદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ, -મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પહેલાં હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, -હું મારો જ ભવિષ્યમાં થઈશ, આ (પરદ્રવ્ય) નું આ (પરદ્રવ્ય) ભવિષ્યમાં થશે.”-આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે.